Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

હનુમાનજીની ગદાથી નેપાળ થઇ જશે બરબાદ

નેપાળના વડાપ્રધાન ઓલીને ઇકબાલ અન્સારીએ આપ્યો જવાબ

નવી દિલ્હી તા. ૧પઃ હાલમાં જ નેપાળના વડાપ્રધાન, કે. પી. શર્માના વિવાદીત બયાનથી ધમસાણ મચી ગયું છે. કે.પી. શર્માએ ભગવાન રામના જન્મસ્થળ બાબતે વિવાદીત ટીપ્પણી કરી હતી. જેને લઇને સોશ્યલ મીડીયા પર તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો. હાલમાંજ બાબરી મસ્જીદ કેસમાં મુસ્લીમ પક્ષકાર ઇકબાલ અંસારીનો એક વીડીયો બહાર આવ્યો છે. આ વીડીયોમાં ઇકબાલ અંસારીએ પોતાની પ્રતિક્રિયા આપતા નેપાળની બરબાદી સુધીની વાત કરી નાખી છે.

નેપાળના વડાપ્રધાન ઓલીની વિવાદીત ટીપ્પણી પછી ઇકબાલ અંસારીએ કહ્યું કે નેપાળના વડા પ્રધાનને ધર્મનું કોઇ જ્ઞાન નથી. તેમનું કહેવું છે કે અયોધ્યા ધર્મનગરી છે. અયોધ્યામાં બધા ધર્મના દેવતાઓ બિરાજમાન છે. અંસારીનું કહેવું છે કે અયોધ્યામાં પાંચ કિલોમીટરના વ્યાપમાં મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારા બધું જ છે.

બાબરી મસ્જીદ કેસમાં મુસ્લીમ પક્ષકાર ઇકબાલ અંસારીએ પોતાના વીડીયોમાં કહ્યું કે નેપાળના વડાપ્રધાન ઓલી કયારેય અયોધ્યા આવ્યા નથી ત્યારે જોયા વગર આવી ટીપ્પણી કરવી ખોટી વાત છે. તેમનું કહેવું છે કે અયોધ્યા બાબતે કંઇપણ ખોટું કહેવાનું પરિણામ બહુ ખરાબ આવી શકે છે. અયોધ્યા ભગવાન રામની નગરી છે જયાં હનુમાનજી બિરાજમાન છે. તેમણે તો એમ પણ કહી દીધું કે જો હનુમાનજીને ગુસ્સો આવશે તો ખબર પણ નહીં પડે કે નેપાળ કયાં ગયું.

(2:53 pm IST)