Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મધ્યપ્રદેશમાં ધર્મનું રાજકારણ: ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ના જવાબમાં કોંગ્રેસનું ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ કેમ્પેઈન

કોંગ્રેસી નેતા પ્રેમચંદ ગુડ્ડુ ઘરે-ઘરે શિવલિંગની સ્થાપના કરાવશે: 51,000 શિવલિંગ તૈયાર કરાવશે

મધ્ય પ્રદેશના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા સાંવેર વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધાર્મિક રાજકારણ આરંભાયું છે.ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ અભિયાનના જવાબમાં કોંગ્રેસે હવે ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ અભિયાન શરૂ કર્યું છે.તેના અંતર્ગત કોંગ્રેસી નેતા પ્રેમચંદ ગુડ્ડુ ઘરે-ઘરે શિવલિંગની સ્થાપના કરાવશે જેથી કોંગ્રેસના પક્ષમાં વાતાવરણ બને અને ધર્મના માધ્યમથી ભાજપને જવાબ પણ આપી શકાય. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.

સાંવેર ખાતેની પેટાચૂંટણીમાં હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધર્મ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે.ભાજપે ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ અભિયાન ચલાવીને તુલસીના છોડ વહેંચ્યા તો કોંગ્રેસ પણ હવે શ્રાવણ મહીનામાં શિવલિંગ વહેંચવા જઈ રહી છે.કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાના કહેવા પ્રમાણે શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે અને લોકડાઉનના કારણે મંદિરો બંધ હોવાથી લોકો મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના નથી કરી શકતા.

આ કારણે લોકો ઘરમાં જ શિવલિંગની સ્થાપના કરીને અભિષેક કરી શકે તે માટે ઘર ઘર મહાદેવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત 51,000 શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા છે.આ અભિયાન માટે કોંગ્રેસી કાર્યકરો દરેક ગામમાં લોકોની નોંધણીનું કામ કરી રહ્યા છે જેથી વિધિવિધાન પૂર્વક ઘરોમાં શિવલિંગની સ્થાપના કરાવી શકાય.આ સાથે જ પૂજન માટેની સામગ્રી પણ આપવામાં આવશે.

ભાજપે કોંગ્રેસના આ અભિયાનને એક દેખાડા સમાન ગણાવ્યું છે.ભાજપના સાંવેર ખાતેથી ધારાસભ્ય રહી ચુકેલા જિલ્લાધ્યક્ષ રાજેશ સોનકરના કહેવા પ્રમાણે ભાજપના કાર્યકરો તો 365 દિવસ જનતા વચ્ચે રહીને કામ કરે છે પરંતુ હવે ચૂંટણી આવી ગઈ છે તો કોંગ્રેસને જનતા વચ્ચે જવા કોઈને કોઈ માધ્યમ જોઈએ છીએ.આ માટે જ ધર્મ અને ભગવાનનો સહારો લઈને તેઓ જનતા વચ્ચે જવા પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ સાંવેરની જનતા બધું જ સમજે છે.કોંગ્રેસે ફક્ત મત મેળવવા માટે ભગવાનનો સહારો ન લેવો જોઈએ.જનતા તો તેમની રાહ જ જોઈ રહી છે કે ક્યારે આ લોકો આવે અને તેઓ તેમના પાસેથી 15 મહીનાનો હિસાબ માંગે

(2:31 pm IST)