Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મહિલાએ તેની બ્રામાં છુપાવ્યું ૪૭ લાખનું સોનું: એરપોર્ટ પરથી કરાઇ ધરપકડઃ ચોરીના કિમિયાથી કસ્ટમ અધિકારીઓ પણ સ્તબ્ધ

ચેન્નાઇ, તા.૧૫: વિદેશથી મોંઘી વસ્તુઓને ગેરકાયદેસર રીતે લાવવા માટે લોકો અનેક પ્રકારના કિમિયા કરતા હોય છે. જેથી તેના પર લાગતી કસ્ટમ ડ્યૂટી બચી જાય. આવો જ એક ચોંકાવનારો અને ના માની શકાય એવો કિસ્સો બહાર આવ્યો છે. ચેન્નાઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કસ્ટમના અધિકારીઓએ એક મહિલાની ધરપકડ કરી હતી. જેણે પોતાની બ્રામાં સોનાની બે ઇટો છુપાવી હતી. થાઇલેન્ડની આ મહિલા પાસેથી ૧.૪ કિલોગ્રામની સોનાની ઇટો જપ્ત કરાઇ હતી જેની કિંમત રૂ.૪૭ લાખની આસપાસ થાય છે.

મહિલાને કરાયેલી પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ મહિલા અગાઉ પણ આ પ્રકારની સોનાની તસ્કરીના ઘણા મામલામાં સંડોવાયેલી છે. તેણે કહ્યું હતું કે એરપોર્ટની બહાર કોઇને સોનું આપવાનું હતું અને તે વ્યકિત તેની ઓળખ ફોટોના માધ્યમથી કરવાનો હતો. પાર્કિંગમાંથી કસ્ટમના અધિકારીઓએ તે વ્યકિત સાથે તેની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ સોનું લેનાર બીજા વ્યકિતની ઓળખ ચંદીગઢના રહેવાસી લવલીન કશ્યપ તરીકે થઇ છે. લવલીન વારંવાર બેંકોક જાય છે ત્યારે ત્યાંથી કપડાં અને ગિફ્ટ આઇટમ્સની ખરીદી કરે છે. બેંકોકમાં રહેતી લવલીનની ગર્લફ્રેન્ડ સપનાએ કાયસોર્નને આ સોનું લવલીને આપવા કહ્યું હતુ ત્યારે આ લવલીન અને આ મહિલા બન્ને સોનાની તસ્કરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

(10:24 am IST)