Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દિવાળી વેકેશન પછી જ સ્કૂલો ખુલે તેવી શકયતા

કોરોના વાયરસનો કેસ રોજેરોજ વધતા સરકાર ઓનલાઇન શિક્ષણ તથા અન્ય ડિસ્ટન્સ એજ્યુકેશન પધ્ધતિથી આગળ વધવા માંગે છે

નવી દિલ્હી તા. ૧૫ : ગુજરાતમાં કોરોનાના કેસ એકધારા વધી રહ્યા છે જેને કારણે રાજ્ય સરકાર દિવાળી વેકેશન પછી જ શાળાઓ પુનઃ શરૂ કરવા વિચારી રહી છે. શિક્ષણ વિભાગ દિવાળી સુધી શાળા ન ખુલે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ અને અન્ય ડિસ્ટન્સના વિકલ્પોથી આગળ વધવા માંગે છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોજેરોજ વધી રહ્યા છે છતાં રાજય સરકાર દિવાળી પછી વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરી રહી છે. અગાઉ કન્ટેઈનમેન્ટ વિસ્તારથી દૂરના ગામડાં અને નાના શહેરોમાં ઓગસ્ટ મહિનામાં ફરીથી સ્કૂલો શરૂ કરવાની યોજના રાજય સરકારે ઘડી હતી. જો કે, હવે કોરોના વાયરસનું સંક્રમણ મોટા શહેરોમાંથી નાના શહેરો અને નગરમાં ફેલાઈ રહ્યું છે. ત્યારે રાજય સરકારના ટોચના અધિકારીઓએ ઓકટોબર મહિનાના અંત સુધી સ્કૂલો ના ખોલવાની સલાહ આપી છે.

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું, 'રાજય સરકાર દિવાળી પછી સ્કૂલો ખોલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ કનેકિટવિટી સુધારવા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવશે.' રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું, શિક્ષણ વિભાગ ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરી રહ્યો હતો પરંતુ હાલની સ્થિતિને જોતાં તે શકય નથી.

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૪૩ હજારને પાર થઈ છે. દરેક જિલ્લામાં કોરોનાના એકિટવ કેસ જોવા મળી રહ્યા છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્કૂલો દિવાળી સુધી નહીં ખુલે. એક અધિકારીએ કહ્યું, 'હાલના સમયે સ્કૂલો ખોલવી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવા સમાન છે. અમે સરકારને સલાહ આપી છે કે તેઓ દિવાળી પછી પણ સ્કૂલો શરૂ ના કરે.' અધિકારીએ એમ પણ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં જયાં ઈન્ટરનેટ કનેકિટવિટી નબળી છે અને મોબાઈલ જેવા સાધનો અપૂરતા છે ત્યારે સરકાર ડિસ્ટન્સ લર્નિંગના માધ્યમો પૂરા પાડવાની વિચારણા કરી રહી છે.

ઓલ ગુજરાત પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે દિવાળી પછી પણ સ્કૂલો નહીં શરૂ કરવાના પ્રસ્તાવને આવકાર્યો છે. તેમણે કહ્યું, '૧.૨૫ કરોડ વિદ્યાર્થીઓ છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. સરકારે આ વર્ષને અપવાદ ગણાવીને ધોરણ ૧૦-૧૨ સિવાયના એકપણ ધોરણની પરીક્ષા ના લેવી જોઈએ.' અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અર્ચિત ભટ્ટે કહ્યું, 'સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે સ્કૂલો ફરીથી કયારે ખુલશે તે કહેવું મુશ્કેલ છે.'

ઉદ્મ સ્કૂલના ટ્રસ્ટી મનન ચોકસીએ કહ્યું, 'જયાં સુધી કોરોનાના કેસ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ. એક કોરોના પોઝિટિવ વિદ્યાર્થી પણ કલાસના બાકીના ૪૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જીવ જોખમમાં મૂકી શકે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે દિવાળી પછી પણ સ્કૂલો ખોલવાનો અમારો વિચાર નથી.'

(10:18 am IST)