Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

હવે સચિન પાયલટ પાસે છે પ વિકલ્પ

યુવા નેતા શું કરશે? જબરી ચર્ચા

નવી દિલ્હી, તા.૧૫: કોંગ્રેસે મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કરનારા પક્ષના વરિષ્ઠ નેતા સચિન પાયલટની પક્ષમાંથી કાઢી મૂકયા હતા. આ સાથે કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી નાયબ મુખ્યમંત્રી અને રાજસ્થાન કોંગ્રેસનું પ્રમુખપદ પણ આંચકી લીધા હતા.

રાજસ્થાન માંથી હકાલપટ્ટી બાદ હવે સચિન પાયલટ શું કરશે તેના પર ચર્ચા થઇ રહી છે. સચિન પાયલટ પાસે હવે ૫ વિકલ્પ છે.

(૧) પહેલો વિકલ્પ એ છે કે તેઓ કોંગ્રેસના અંદરના પોતાના કમઉમ્ર નવયુવાન નેતાઓ દ્વારા કોંગ્રેસમાં સન્માનજનક જગ્યાને લઈને ચર્ચા કરે.

(૨) બીજો એ કે, જો તેમનું અશોક ગેહલોત મુકત ઓપરેશન અસફળ થાય છે તો તેઓ કોંગ્રેસમાં રહીને ત્યાં સુધી પ્રયાસ કરતા રહે જયાં સુધી બળવો કરનારા ધારાસભ્યોની સંખ્યા ૨૫ થી ઉપર ન જતી રહે.

(૩) ત્રીજું એ કે, ધારાસભ્ય દળમાંથી સભ્યપદ જવાની ચિંતા ન કરે અને કોંગ્રેસથી અલગ સંગઠન અથવા મોરચો બનાવે, સચિન પાયલટ એ સંગઠનનું નેતૃત્વ કરે અને કોંગ્રેસને પડકાર ફેંકે, હાલ આ વિકલ્પ પર સૌથી વધુ વિચાર કરવામાં આવી રહ્યો છે કારણે કે સચિન પાયલટ પોતાના સન્માનની રક્ષા માટે પોતાનો અલગ રસ્તો નક્કી કરે,

(૪) પાયલટ પાસે ચોથો વિકલ્પ એ છે કે પોતાની સાથે ગયેલા ધારાસભ્યોને સમજાવે કે ભાજપ તેમના માનસન્માનની રક્ષા કરશે અને તેમની સાથે તેઓ પણ ભાજપમાં ચાલ્યા જાય. પરંતુ, આમાં સંકટ એ છે કે પાયલટ સાથે ઘણા લોકો એવા છે જેઓ ભાજપમાં જવા માંગતા નથી,

(૫) પાંચમો અને અંતિમ વિકલ્પ છે કે સચિન પાયલટ કઈ પણ કરીને સરકાર ઉથલાવી દેવા સક્ષમ ધારાસભ્યોની સંખ્યા એકથી કરે અને પોતાના અપમાનનો બદલો લે. અથવા ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી ફરીથી ચૂંટણી લડે.

પાયલટ ગ્રૃપના સભ્યોએ ફ્લોર ટેસ્ટની કરી માંગ

વધુમાં છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પછી રાજય કેબિનેટમાંથી અન્ય બે મંત્રીઓ વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. પક્ષમાંથી હકાલપટ્ટી પછી સચિને ટ્વીટર પર જણાવ્યું હતું કે, 'સત્યને પરેશાન કરી શકાય છે, હરાવી શકાતું નથી. બીજીબાજુ કાર્યવાહીથી નારાજ પાયલટ જૂથના સભ્યોએ ગૃહમાં ફ્લોર ટેસ્ટની માગણી કરી હતી.

સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પક્ષના ટોચના નેતૃત્વની પક્ષમાં પાછા ફરવાની વિનંતી નકારી કાઢ્યા પછી પાયલટને 'બીજી તક' આપવા માટે મંગળવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવાઈ હતી, જેમાં પાયલટ ગેરહાજર રહ્યા હતા. વર્ષ ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસે અશોક ગેહલોતની પસંદગી પછી પાયલટ નારાજ હતા. તે સમયે પાઇલટ જૂથના ટેકેદારોએ રાજય એકમના પ્રમુખ તરીકે વિજય માટે પાયલટને શ્રેય આપ્યું હતું.

કોંગ્રેસ વિધાનસભા પક્ષની મંગળવારની બેઠક દરમિયાન પાયલટના ટેકેદારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાની તેમની કોઈ યોજના નથી. તેઓ માત્ર રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન ઈચ્છે છે. તેઓ ગેહલોતની જગ્યાએ પાયલટને મુખ્યમંત્રી બનાવવા માગે છે. પાયલટ હવે કયું પગલું ભરશે તે સ્પષ્ટ નથી.

જોકે, તેમના વિરૂદ્ઘ પક્ષની કાર્યવાહી પછી પાયલટે હિન્દીમાં ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 'સત્યને પરેશાન કરી શકાય છે, પરંતુ હરાવી શકાતું નથી.' ગેહલોતે સચિન પાયલટ પર ભાજપના હાથનું રમકડું બનવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રાજયમાં હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું હોવાનો તેમને ખેદ છે.

પાઇલટ સોમવારે યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની પહેલી બેઠકથી દૂર રહ્યા હતા અને સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અન્ય ૧૮ ધારાસભ્યોએ પણ બેઠકમાં હાજરી આપી નહોતી. આમ, તેમણે પાયલટની તાકાતનો નેતૃત્વને સંકેત આપ્યો હતો.

(10:16 am IST)