Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોનાનો કહેરઃ રાજકોટમાં વધુ પાંચનો જીવ ગયો

સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯માં રાજકોટ મોરબી રોડના નિતીનભાઇ સવસાણી (ઉ.વ. ૩૫), ચુડાના વર્ષાબેન શેઠ (ઉ.વ.૬૯), ગોંડલ મેસપરના ભીખુભા જાડેજા (ઉ.૮૦), ધોરાજીના પરષોત્તમભાઇ ભોવાનભાઇ (ઉ.૭૦) અને મોરબીના મેમુનાબેન મકવાણા (ઉ.૬૩)એ દમ તોડ્યોઃ ગઇકાલે ૬ દર્દીના થયા હતાં મોત

રાજકોટ તા. ૧૫: કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં રાતથી સવાર સુધીમાં ટપોટપ વધુ પાંચ દર્દીઓના મોત નિપજતાં ફફડાટ ફેલાયો છે. મૃત્યુ પામનાર દર્દીઓમાં રાજકોટના પ્રોૈઢ, ચુડાના  વૃધ્ધા, ધોરાજીના વૃધ્ધ, મોરબીના વૃધ્ધા તથા ગોંડલ મેસપરના વૃધ્ધનો સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ ચુડા રહેતાં વર્ષાબેન પ્રવિણભાઇ શેઠ (ઉ.વ.૬૯)નું રાત્રીના દસેક વાગ્યે કોરોના હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટ મોરબી રોડ સોમનાથ સોસાયટીના નિતીનભાઇ જયંતિભાઇ સવસાણી (ઉ.વ.૩૫), ધોરાજીના પરષોત્તમભાઇ ભવાનભાઇ (ઉ.વ.૭૦), મેમુનાબેન મામદભાઇ મકવાણા (ઉ.વ.૬૩) તેમજ ગોંડલના મેસપરના ભીખુભા પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.૮૦)ના રાત્રીના મોત થયા છે. તમામના રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવાય છે. 

ગઇકાલે રાજકોટ કોઠારીયા રોડના શાંતાબેન વેકરીયા (ઉ.૫૫), જસદણના શરીફાબેન રાઠોડ (ઉ.૬૦),  સુરેન્દ્રનગરના સુશિલાબેન શેઠ (ઉ.૭૫), વઢવાણ રતનપરના ગોવિંદભાઇ સોલંકી (ઉ.૮૦), ધ્રોલના અસલમભાઇ ડોસાણી (ઉ.૫૮) તથા ઢાંકના પાયલબેન માકડ (ઉ.૨૦)ના મોત થયા હતાં. ત્યાં ગત રાતથી આજ સવાર સુધીમાં કોવિડ-૧૯ વિભાગમાં વધુ ૬ દર્દીઓએ દમ તોડી દેતાં ફાયર બ્રિગેડની ટીમને આ મૃતદેહ અંતિમવિધી માટે સોંપવામાં આવ્યા હતાં. ગયા સોમવારથી ગઇકાલ સુધીમાં મૃત્યુઆંક ૩૦ સુધી પહોંચ્યા પછી આજના વધુ પાંચ મોત થતાં આ આંકડો ૩૫ થઇ ગયો છે.

(3:11 pm IST)