Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

બ્રિટનમાં હવે ગુનેગારોને સ્થાન નહીં : 1 વર્ષ જેલમાં રહીને આવેલા વિદેશી લોકોને વિઝા નહીં : હોમ મિનિસ્ટર ભારતીય મૂળના સુશ્રી પ્રીતિ પટેલનું ક્રાંતિકારી કદમ : નવો ઇમિગ્રેશન કાયદો જાન્યુઆરી 2021 થી અમલી બની જવાની શક્યતા

લંડન : બ્રિટનના  હોમ મિનિસ્ટર ભારતીય મૂળના સુશ્રી પ્રીતિ પટેલે ક્રાંતિકારી પગલું ભર્યું છે.જે મુજબ બ્રિટનમાં હવે ગુનેગારોને સ્થાન નહીં મળે. નવી નીતિ મુજબ 1 વર્ષ જેલમાં રહીને આવેલા વિદેશી લોકોને વિઝા આપવામાં નહીં આવે.ઉપરાંત ખિસ્સાકાતરું ,કે ચોરી કરતા પકડાઈ ગયેલા લોકો પછી ભલે તેમને 1 વર્ષ કરતા ઓછો સમય જેલમાં રહેવું પડ્યું હોય તો પણ તેઓને વિઝા આપવામાં નહીં આવે.

તેઓ  સીમા દળ અને ઇમિગ્રેશન અધિકારીઓ માટે વધારાના સુરક્ષા ઉપાયો જાહેર કરશે, જે આગામી જાન્યુઆરીથી અમલમાં આવી શકે છે.  આ નવો નિયમ બ્રિટનમાં પ્રવેશતી એવી દરેક વ્યક્તિને અસર કરશે કે જેનાથી જનતાની સુરક્ષાને ખતરો જણાય. તદુપરાંત, નફરત ફેલાવનારા કે તોફાનીઓ કે સામાજિક તંગદિલી ફેલાવવાની મુરાદ સાથે બ્રિટનમાં વસવાની આશા રાખતા અન્ય લોકોને પકડવા મંત્રી મંજૂરી આપી શકશે.

ઉપરાંત  બ્રિટનમાં રહેવા અને કામ કરવા ઇચ્છતા લોકોએ વિઝા માટે અરજી કરવા 70 પોઇન્ટ મેળવવા જરૂરી રહેશે. એક ચોક્કસ લેવલ સુધી અંગ્રેજી બોલવામાં સક્ષમ હોય, માન્ય એમ્પ્લોયર તરફથી નોકરીની ઓફર હોય અને લઘુત્તમ વેતન મર્યાદા પૂરી કરવા જેવી કેટલીક મુખ્ય અપેક્ષાઓ સંતોષાય તો જ પોઇન્ટ અપાશે.

(8:36 am IST)