Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

એક આંખ ધરાવનાર પ્રજ્ઞાચક્ષુને ડ્રાઈવિંગ લાયસન્સ મળશે

જો કે પોતાનુ ખાનગી ટુ કે ફોર વ્હીલર વાહન જ ચલાવવાની છૂટઃ નિયત સર્ટીફીકેટો રજુ કરવા પડશે

રાજકોટ, તા. ૧૫ :. 'એક આંખ ધરાવનાર પ્રજ્ઞાચક્ષુને હવે ડ્રાઈવિંગ લાયસન્સ મળી શકશે. જો કે તે પોતાનું ખાનગી ટુ કે ફોર વ્હીલર જ વાહન ચલાવવાની છૂટ મળશે. આ માટે પ્રજ્ઞાચક્ષુ વ્યકિતએ નિયત નમૂનાના સર્ટીફીકેટો રજુ કરવા પડશે.

એક હાથ અને એક આંખ કે એક પગ ધરાવતી વ્યકિત લાંબાગાળે પોતાના રોજિંદા કામો માટે ટેવાઈ જાય છે. જે આધારે કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે કેટલીક છૂટછાટ આપી છે. કેટલીક વખત અકસ્માતમાં કે રોગને કારણે કે અન્ય બનાવથી કેટલાક લોકો દ્રષ્ટિ ગુમાવતા હોય છે, ત્યારે તેમને વાહન ચલાવવા લાઈસન્સ મળતુ નથી. તેમજ રોજિંદા વાહન વ્યવહાર માટે અન્ય વ્યકિતનો સહારો લેવો પડે છે. જેથી કેન્દ્ર સરકારે આ અંગે પરિપત્ર કરી કેટલાક નિયમોનું પાલન થતુ હોય તો લાઈસન્સ આપવા પરિપત્ર કર્યો છે.

૨ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્ય સરકારના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પણ પરિપત્ર જાહેર કરીને રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં પણ એક આંખ ધરાવતી વ્યકિતને નોન ટ્રાન્સપોર્ટ કાર અને મોટરસાઈકલનું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યુ કરવા આદેશ આપી દેવાયા છે. અત્યાર સુધી રાજકોટ સહિત દરેક આરટીઓ કચેરીમાં એક આંખ ધરાવતી વ્યકિતઓને લાઈસન્સ ઈશ્યુ ન કરાતુ હતુ અને અરજદારોને અનેક ધક્કા ખાવા પડતા હતા. રાજ્ય સરકારે આખરે પરિપત્ર જાહેર કરતા રાજકોટના અંદાજિત ૨ હજાર જેટલા લોકોને હવે લાભ મળશે.

આ માટે અરજદાર પ્રજ્ઞાચક્ષુએ એક આંખ ગુમાવ્યાને ઓછામાં ઓછા ૬ માસનો સમય થયો હોવો જોઈએ. બીજી આંખે ૧૨૦ ડિગ્રી જોઈ શકે તેવું વિઝન હોવું જોઈએ. બીજી આંખનું વિઝન ૬/૧૨નું હોવું જરૂરી છે. ઉપરોકત બાબતો માટેનું સર્ટીફીકેટ સરકારી હોસ્પીટલના ઓપ્થોલ્મોલોજી વિભાગના તબીબનું પ્રમાણપત્ર રજુ કરવુ પડશે. આ માટેની કોઈ રજૂઆત અથવા તો વધુ વિગતો માટે દિવ્યાંગ વ્યકિતઓ માટેના કોર્ટ ઓફ કમિશ્નરશ્રી ભોયતળિયે બ્લોક નં. ૧૬, જૂના સચિવાલય, સેકટર-૧૦, ગાંધીનગરનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

(3:54 pm IST)