Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

અસંગઠિત ક્ષેત્રના ૬.૫ કરોડ ધંધાર્થીઓને મોટી રાહત અપાશે

સરકાર રાષ્ટ્રીય રીટેલ નીતિ લાગુ કરી અસંગઠિન ક્ષેત્રના વેપારને સંગઠિત જેવો બનાવવા વિચારે છે: રાષ્ટ્રીય નીતિ બાદ બેંકોમાંથી લોન લેવાનું ધંધાર્થી માટે સરળ બનશેઃ સીધા વેંચાણને મળશે પ્રોત્સાહનઃ લાયસન્સ રાજ દુર કરાશે

નવી દિલ્હી તા.૧૫: કેન્દ્ર સરકાર દેશભરમાં અસંગઠીત ક્ષેત્રના સાડા છ કરોડ ધંધાર્થીઓને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. સરકાર જલ્દીમાં જલ્દી રાષ્ટ્રીય છૂટક નીતિ લાગુ કરીને અસંગઠીત ક્ષેત્રના કારોબારને સંગીઠત જેવું બનાવવાની યોજના બનાવી રહી છે. આના માટે સંબંધિત પક્ષોના સુચનો મેળવવા માટે ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ રાષ્ટ્રીય છૂટક નીતિનો મુસદ્દો જાહેર કરશે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ગઇકાલે જણાવ્યા અનુસાર આ નિતીનો ઉદ્દેશ છુટક વેપારને સરળ બનાવવાનો છે. આ નીતિમાં મુખ્ય રીતે ધંધામાં સુગમતાને પ્રોત્સાહન, લાઇસન્સ રાજ ઘટાડવું, મુડી સુધીની પહોંચ વધારવી, ડાયરેકટ વેચાણ અને હાઇપર માર્કેટ અંગેના મુદ્દાઓનું સમાધાન સામેલ છે. અધિકારીએ કહ્યું આ નીતિમાં છુટક ક્ષેત્રની વૃધ્ધિની રીતો શોધવા, ડીજીટલ ચુકવણીને વધારવા અને સંરચનાત્મક બાધાઓ દુરકરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત નીતિ વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયની ૧૦૦ દિવસની કાર્ય યોજનાનો ભાગ છે.

રાષ્ટ્રીય છૂટક નીતિ પર પ્રતિક્રિયા આપતા કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કેટ)ના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે આ નીતિથી અસંગઠિત અને સંગઠિત રીટેલ વેપાર વચ્ચેની ખાઇ પુરવામાં મદદ મળશે, સાથેજ ઘરેલુ વેપારની આંતરિક બાધાઓને દુર કરવી સરળ બનશે. અત્યારે દેશભરમાં લગભગ સાડા છ કરોડ નાના વેપારીઓ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમને સરકાર તરફથી કોઇ ડાયરેકટ લાભ નથી મળી શકતો. આ નીતિથી તેમને સંગઠિત ક્ષેત્રમાં લાવવામાં મદદ મળશે.

કેટ અનુસાર, દેશભરમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ૬.૫ કરોડ નાના વેપારીઓનો વાર્ષિક કારોબાર ૪૫ લાખ કરોડનો છે. જો કે તેમાંથી ફકત ૪ ટકાને જ બેંક અથવા નાણાકિય સંસ્થાઓ તરફથી લોન મળે છે રાષ્ટ્રીય છુટક નીતિ આવવાથી અસંગઠિત ક્ષેત્રના ધંધાર્થીઓને બેંકોમાંથી લોન મળવી સરળ બનશે. સાથે જ સરકાર નિકાસ વધારવા પર ભાર મુકશે.

(11:51 am IST)