Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

આઈટી રિટર્નની અંતિમ તારીખ ૩૧ જુલાઈઃ વિલંબ પર દંડ-જેલ

અંતિમ તારીખની રાહ જોયા વગર રિટર્ન ફાઈલ કરી દેવુ ફાયદેમંદઃ જો વિલંબ કરશો તો બે વર્ષની જેલની સજા તથા આકરો દંડ ભરવો પડશે

નવી દિલ્હી, તા. ૧૫ :. ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૯ છે પણ છેલ્લી તારીખની રાહ જોયા વગર રિટર્ન ફાઈલ કરવું આપના માટે ફાયદાકારક બની શકે છે. નક્કી કરવામાં આવેલી તારીખ સુધીમાં રિટર્ન ન ભરવાથી આપને દંડ ચુકાવવા ઉપરાંત જેલની હવા પણ ખાવી પડી શકે છે. સાથે જ અન્ય પ્રકારના આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

અંતિમ તારીખ સુધીમાં રિટર્ન ન ભરવા માટે આવકવેરા વિભાગ તમને નોટીસ મોકલે છે, ત્યાર પછી તમારે તેનો જવાબ આપવાનો હોય છે. જો આવક વેરા અધિકારી તમારા જવાબથી સંતુષ્ઠ ન થાય અને તપાસમાં એવું સાબિત થાય કે તમે જાણીજોઈને રિટર્ન નથી ભર્યુ તો ત્રણ માસથી બે વર્ષથી જેલ થઈ શકે છે. આ ઉપરાંત વિવિધ શ્રેણી અનુસાર ૧ થી ૧૦ હજારનો દંડ પણ થઈ શકે છે. મોડા રિટર્ન માટે વિભાગ દ્વારા મોકલવામાં આવતી નોટીસથી ગભરાવાની જરૂર નથી. કર અધિકારી ટેક્ષ ન ભરવાનું સાચુ કારણ તેના દ્વારા જાણવા માંગે છે. સાચુ કારણ જણાવવાથી દંડ લગાવીને રિટર્ન ભરવાની પરવાનગી મળી જાય છે.  નક્કી કરવામાં આવેલી તારીખથી જેટલુ મોડું રિટર્ન ભરવામાં આવે તેટલુ વધારે આર્થિક નુકસાન થાય છે. એક ટેક્ષ સલાહકાર અનુસાર ટાઈમ પર ભરવામાં આવેલા રિટર્ન પર જે રિફંડ મળવા પાત્ર હોય તેના પર વ્યાજ આપવામાં આવે છે જ્યારે મોડા ભરેલા રિટર્નમાં રિફંડ પર વ્યાજ નથી મળતું. આવકવેરા રિટર્ન તમારી કમાણીની એક સાબિતી છે. નોકરિયાત લોકોને તેમની કંપની તરફથી ફોર્મ ૧૬ મળે છે જેમા તેની આવક અને ચુકવેલા કરની માહિતી હોય છે. બેંક પાસેથી હોમ લોન કે કાર લોન અથવા અન્ય પ્રકારની લોન લેવાની અરજીમાં તે ફોર્મ ૧૬ અથવા બે વર્ષના રિટર્ન માગતા હોય છે. પોતાનો ધંધો કરતા લોકો પાસે ટેક્ષ રિટર્ન જ એક માત્ર આવકનું પ્રમાણ હોય છે.

વિલંબની કિંમત ચૂકવવી પડશે

- ૩ માસથી ૭ વર્ષ સુધીની જેલ રિટર્નમાં વિલંબ પર

- ૧૦૦૦નો દંડ રિટર્નમાં વિલંબ પર જો ૫ લાખથી ઓછી આવક હોય તો

- ૫૦૦૦નો દંડ ૩૧ જુલાઈ બાદ અને ૩૧ ડિસે. સુધી રિટર્ન ભરાય તો

- ૧૦,૦૦૦નો દંડ ૧ જાન્યુ.થી ૩૧ માર્ચ સુધી રિટર્ન ભરશો તો

(11:32 am IST)