Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

પંજાબમાં અમરિન્દરસિંહની કેબિનેટથી સિદ્ધૂનું રાજીનામુ

રાહુલ ગાંધીને પહેલાથી જ રાજીનામુ મોકલ્યું છે : મુખ્યપ્રધાન અમરિન્દરસિંહ સાથે નવજોત સિદ્ધૂની હજુય ખેંચતાણ

ચંદીગઢ, તા. ૧૪ : ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધૂએ પંજાબ સરકારના મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું છે. સિદ્ધૂએ પોતે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી દીધી છે. ટ્વિટર પર સિદ્ધૂએ એ પત્ર પણ પોસ્ટ કર્યો છે જેમાં સિદ્ધૂએ રાજીનામાને લઇને વાત કરી છે. સિદ્ધૂનું કહેવું છે કે, એક મહિના પહેલા જ રાહુલ ગાંધીને આ અંગે માહિતી આપી દીધી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સિદ્ધૂએ રાજીનામુ આપી દીધું છે. અમરિન્દર કેબિનેટમાંથી સિદ્ધૂએ રાજીનામુ આપી દીધા બાદ અન્ય કોઇ વાત કરી નથી. સિદ્ધૂના કહેવા મુજબ ૧૦મી જૂનના દિવસે જ રાજીનામુ રાહુલ ગાંધીને મોકલી દીધું હતું. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી અરમિન્દરસિંહને પણ રાજીનામુ મોકલશે. બીજી બાજુ મુખ્યમંત્રી કચેરીએ કહ્યું છે કે, સિદ્ધૂ તરફથી રાજીનામુ મળ્યું નથી. કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધૂ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સાથે વિવાદમાં રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આક્ષેપબાજીનો દોર પણ ચાલ્યો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી રહ્યા બાદથી બંને નેતાઓમાં ખેંચતાણ ચાલી રહી હતી. અમરિન્દરસિંહના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાંથી પણ સિદ્ધૂ ગેરહાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના ખરાબ દેખાવ માટે પોતાને જવાબદાર ઠેરવવાનો આક્ષેપ સિદ્ધૂ કરી રહ્યા હતા. બીજી બાજુ મુખ્યમંત્રીએ સિદ્ધૂ પાસેથી તેમના વિભાગો આંચકી લીધા હતા. સિદ્ધૂ પાસે પહેલા સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રવાસ-સાંસ્કૃતિક મંત્રાલયની જવાબદારી હતી તેને આંચકી લઇને તેમને નવી ઉર્જા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખાતુ બદલાઈ ગયા બાદથી સિદ્ધૂ કેપ્ટનથી નારાજ દેખાઈ રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ટિકિટ નહીં મળવાને લઇને સિદ્ધૂના પત્નિ નવજોત કૌરે પણ કેપ્ટનની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

(12:00 am IST)