Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ગઠબંધનનું ઝેર પી રહ્યા છે, બે કલાકમાં પોસ્ટ છોડી શકે

કુમારસ્વામીની પિડા ફરી એકવાર સપાટી ઉપર : વર્તમાન સ્થિતિને લઇને ખુશ નથી : ટેક્સ લાગૂ કરવાના તેમના નિર્ણયની ટિકા થઇ રહી છે જે અયોગ્ય છે : સ્વામી

બેંગ્લોર, તા. ૧૫ : કર્ણાટકમાં ગઠબંધન સરકાર ચલાવવાની બાબત મુખ્યમંત્રી કુમારસ્વામી માટે હવે પડકારરુપ બાબત બની ગઇ છે. તેમની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. કુમારસ્વામીએ પણ આ અંગેના સંકેત આપી દીધા છે. કુમારસ્વામી પોતે જ આ અંગેની વાત પણ કબુલી ચુક્યા છે. કુમારસ્વામીએ હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું છે કે, તેમની પાર્ટીના લોકો આ બાબતને લઇને ખુશ છે કે, તેમના ભાઈ મુખ્યમંત્રી બની ગયા છે પરંતુ તેઓ વર્તમાન સ્થિતિથી ખુશ નથી. જેડીએસ તરફથી તેમના મુખ્યમંત્રી બનવાની ખુશીમાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં કુમારસ્વામીએ સન્માન માટે કોઇ ભેંટ પણ સ્વીકારી ન હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ કોઇને પણ બતાવ્યા વિના પોતાની પિડાને સહન કરી રહ્યા છે જે ઝેરથી કમ નથી. ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરવાના સંબંધમાં કુમારસ્વામીએ કહ્યું હતું કે, હાલમાં જે બધી બાબતો ચાલી રહી છે તેનાથી તેઓ ખુશ નથી. કુમારસ્વામીના આ ભાવુક ભાષણની તરત નોંધ લેવામાં આવી છે. સોશિયલ મિડિયા ઉપર તેમનું નિવેદન ચાલી રહ્યું છે. કુમારસ્વામી તેમના મુખ્યમંત્રી નથી તેવા સોશિયલ મિડિયા પોસ્ટની અસર દેખાઈ રહી છે. કુમારસ્વામીએ કહ્યું છે કે, લોન માફી માટે અધિકારીઓને મનાવવા માટે તેમને કેટલી મહેનત કરવી પડી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હવે તેઓ અન્ના ભાગ્ય સ્કીમમાં પાંચ કિલો ચોખાના બદલે સાત કિલો ચોખા ઇચ્છે છે. આના માટે ૨૫૦૦ કરોડ રૂપિયા લઇને તેઓ કઇરીતે આવી શકે છે. ટેક્સ લાગૂ કરવાના તેમના નિર્ણયની ટિકા થઇ રહી છે. આ તમામ ટિકાઓ છતાં મિડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે, તેમની લોન માફી સ્કીમમાં કોઇ સ્પષ્ટતા નથી. તેઓ ઇચ્છે તો બે કલાકની અંદર મુખ્યમંત્રી પદ છોડી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કમનસીબ બાબત છે કે, ચૂંટણી દરમિયાન તેમને સાંભળવા માટે લોકો આવ્યા હતા પરંતુ મત આપવાની વાત આવી ત્યારે પાર્ટીના ઉમેદવારને ભુલી ગયા હતા. કુમારસ્વામીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી પદ તેમની પાસે છે પરંતુ તેઓ કેટલા દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહેશે તે અંગે વાત કરવાની સ્થિતિમાં નથી. વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ખરાબ દેખાવની કબૂલાત પણ કરી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, લોકોની ભલાઈ માટે મુખ્યમંત્રીપદનો સ્વીકાર કર્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પાર્ટીના વચનો અને પિતા એચડી દેવગૌડાના અધુરા રહેલા કામોને પૂર્ણ કરવામાં આવશે. આ તાકાત હાંસલ કરવા માટે મુખ્યમંત્રી પદ મેળવ્યું નથી. વિધાનસભા ચૂંટણીના પરિણામમાં તેમની પાર્ટીને માત્ર ૩૭ સીટો મળી હતી જે સંકેત છે કે કોઇને કોઇ રીતે લોકોને તેમનામાં વિશ્વાસ નથી. બીજી બાજુ દેવગૌડાએ કહ્યું છે કે, કુમારસ્વામી ૧૮-૧૮ કલાક કામ કરી રહ્યા છે તે તેમના આરોગ્ય માટે યોગ્ય નથી. તેમને પોતાના પુત્રની ચિંતા છે.

(7:57 pm IST)