Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

યુજીસી રદ કરવા માટેના હાયર એજ્યુકેશન બિલનો તમિળનાડુનો વિરોધ મુખ્‍યપ્રધાન પલાની સ્‍વામીઅે વડાપ્રધાને પત્ર દ્વારા જાણ કરી

ચેન્નઇ: યુજીસી રદ કરવા માટેના કેન્દ્ર સરકારના પ્રસ્તાવીત હાયર એજ્યુકેશન કમિશનની સ્થાપના કરવા માટે હાયર એજ્યુકેશન બિલનો તમિળનાડુની સરકારે વિરોધ કર્યો છે.

મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને જણાવ્યું હતું કે હાલની યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) નિયામક અને નાણાકીય સત્તા સાથે બરાબર કામ કરી રહી છે.

એમણે જણાવ્યું હતું કે તમિળનાડુ સરકારના મતે યુજીસીને બંધ કરીને ફક્ત નિયામકની સત્તા સાથેની હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇંડિયા નામની નવી સંસ્થા શરૂ કરવાની કોઇ જરૂર નથી. યુજીસી પાસે પ્રસ્તાવનું અવલોકન કરીને પારદર્શી રીતે ફંડ છૂટું મૂકવાની ક્ષમતા છે. એની નાણાકીય શક્તિને લીધે એ પોતાના પ્રસ્તાવને અમલમાં મૂકવાની તાકાત ધરાવે છે.

નવા પ્રસ્તાવિત ખરડા પ્રમાણે નાણાકીય સત્તા માનવ બળ વિકાસ મંત્રાલય (એમએચઆરડી) કે અન્ય કોઇ મંત્રાલયને સોંપવામાં આવશે. પલાનીસ્વામીએ આ મામલે પોતાની સરકારનો સખત વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલય દ્વારા તમિળનાડુને ફંડ મંજૂર કરવાનો અનુભવ સારો નથી રહ્યો. જો નાણાકીય સત્તા એમએચઆરડીના હાથમાં સોંપી દેવાશે, તો અમને ડર છે કે એ 100 ટકાને બદલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 60:40ના રેસિયોમાં થઇ જશે. આવા કારણોસર તમિળનાડુની સરકાર પ્રસ્તાવિત ખરડાનો સખત વિરોધ કરે છે અને હાલની સંસ્થા યુજીસીને યથાવત રાખવામાં આવે. પોતાની વિનંતીનો સકારાત્મક જવાબ મેળવવાની આશા પણ પલાનીસ્વામીએ વ્યક્ત કરી હતી.

(12:38 pm IST)