Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

બોમ્‍બે હાઇકોર્ટે ૧૬ વર્ષની બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી: પીડીતા સગીર હોવાથી તેને બાળકને જન્‍મ આપવા દબાણ ન કરી શકાય : કોર્ટનું તારણ

કોર્ટે નોંધ્યું કે પોલીસે બળાત્કાર પીડિતાને ગર્ભપાતના વિકલ્પ બાબતે યોગ્ય માહિતી પૂરી પાડી નહતી -૨૧ અઠવાડિયાનો ગર્ભધરાવતી પીડિતાના ગર્ભપાત માટે બે સરકારી હોસ્પિટલોએ મનાઈ કરતા અંતે પીડિતાએ હાઇકોર્ટ

મુંબઇ, : બોમ્બે હાઇકોર્ટે આજે એક ૧૬ વર્ષીય બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરવાની મૂંજરી આપી હતી. સાથે જ નોંધ્યું હતું કે આવા કેસમાં પોલીસે બળાત્કાર પીડિતાને ગર્ભપાતના વિકલ્પ બાબતે માહિતી આપવી જરૃરી છે. ડોક્ટરોની એક પેનલે પીડિતા ગર્ભપાત કરાવી શકે છે અને તેના સ્વાસ્થ્ય સામે કોઈ હાનિ નહીં પહોંચે તેવું જણાવતા જસ્ટિસ નરેશ પાટીલ અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીએ ગર્ભપાતને મંજૂરી આપી હતી. મનપાની કેઇએમ હોસ્પિટલના ડોક્ટરોએ પીડિતાને હાઇકોર્ટનો સંપર્ક કરવાનું કહ્યું હતું, કારણ કે ૨૦ અઠવાડિયાથી ઉપરના ગર્ભનો ગર્ભપાત કરવું એ ગેરકાયદે છે. જજે એવું પણ નોંધ્યું હતું કે પીડિતાએ એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલના ચક્કર કાપવામાં પાંચથી છ દિવસ વેડફી નાખ્યા હતા. કોર્ટે એવું પણ જણાવ્યંુ હતું કે ઘણીવાર બળાત્કાર પીડિતા અને તેના પરિવારને ખબર જ હોતી નથી કે ૨૦ અઠવાડિયા સુધીના ગર્ભની તબીબી રહીતે સમાપ્તિ (મેડિકલી ટર્મિનેશન) થઈ શકે છે. તેથી રાજ્ય સરકારે પોલીસોને જણાવવું જોઈએ કે બળાત્કારનો ભોગ બનેલ પીડિતાનો કેસ સંભાળતી વખતે આ વાતની દરકાર રાખી પીડિતાને યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવે અને આ માટે તેમને હોસ્પિટલનો સંપર્ક કરવાનું જણાવવામાં આવે. કોર્ટમાં પીડિતાની વકીલે જણાવ્યું હતું કે પીડિતા ગર્ભપાત કરાવવા માગતી હતી, કારણ કે તેને રહેલો ગર્ભે બળાત્કારને કારણે રહ્યો હતો. જો આ પ્રેગનેન્સી તે ચાલુ રાખે તો તેને માનસિક યાતના ભોગવવી પડે. આ ઉપરાંત પીડિતા સગીર હોવાથી તેને બાળકને જન્મ આપવા માટે જબરજસ્તી ન કરી શકાય.

(12:32 pm IST)