Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરથી અંડાશયનું કેન્સર :કેસમાં કંપનીનો પરાજય :32 હજાર કરોડનો દંડ

જોન્સન ઍન્ડ જોન્સનનો પાઉડર વાપરવાને કારણે પોતાને અંડાશયનું કૅન્સર થયું હોવાનો આક્ષેપ 22 મહિલાઓએ કર્યો હતો. એ મહિલાઓને વળતર પેટે 4.7 અબજ ડૉલર ચૂકવવાનો આદેશ જોન્સન ઍન્ડ જોન્સનને આપવામાં આવ્યો છે.

 અમેરિકાના મિઝોરી રાજ્યની એક જ્યુરીએ વળતર પેટે 550 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ પ્રારંભે આપ્યો હતો. પછી તેમાં 4.1 અબજ ડૉલરનો દંડ ફટકાર્યો હતો.

 દવાઓનું ઉત્પાદન કરતી જંગી કંપનીઓ પૈકીની એક જોન્સન ઍન્ડ જોન્સન તેના વિશિષ્ટ બેબી પાઉડર સંબંધી 9,000 કેસીસનો કોર્ટમાં સામનો કરી રહી છે, એવા સમયે આ ચુકાદો આવ્યો છે.

  જોન્સન ઍન્ડ જોન્સને જણાવ્યું હતું કે કંપની આ ચુકાદાથી 'અત્યંત નિરાશ' થઈ છે અને તેની સામે અપીલ કરવા વિચારી રહી છે.

 છ સપ્તાહ સુધી ચાલેલી અદાલતી કાર્યવાહીમાં મહિલાઓ અને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે બેબી પાઉડર તથા અન્ય પાઉડર પ્રોડક્ટ્સ દાયકાઓ સુધી વાપરવાને કારણે તેમને અંડાશયનું કૅન્સર થયું હતું.

  આ કેસ સાથે સંકળાયેલી 22 મહિલાઓ પૈકીની છનું મૃત્યુ અંડાશયના કૅન્સરને કારણે થયું હતું.

તેમના વકીલોએ આક્ષેપ કર્યો હતો કે પોતાનો પાઉડર એઝ્બેસ્ટોસથી દૂષિત હોવાનું કંપની છેક 1970ના દાયકાથી જાણતી હતી, પણ આ બાબતે ગ્રાહકોને ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હતી.

(9:14 pm IST)