Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભારતીય સેના હવે કોઈ પણ ઇમરજન્સી માટે તૈયાર: ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરનો સફળ પ્રયોગ

રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર થકી ટેંકો, સૈન્ય વાહનો અને ભારે ઉપકરણો સાથેની ટ્રેન દોડાવવાની ટ્રાયલ સફળ :ટ્રાયલ રનને શહીદ જવાનોને સમર્પિત

નવી દિલ્હી : ભારતીય સેનાનું રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર થકી ટેંકો, સૈન્ય વાહનો અને ભારે ઉપકરણો સાથેની ટ્રેન દોડાવવાની ટ્રાયલ સફળ રહી. ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર ભારતીય રેલવેએ વિકસિત કર્યું છે. આ કોરિડોર થકી ઈમરજન્સી સ્થિતિમાં ભારે હથિયારો રેલવે માર્ગ થકી ઝડપથી પહોંચાડી શકાશે

ગલવાન ઘાટીમાં ચીન સાથેની અથડામણમાં 20 જવાનોના શહીદ થવાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થવાના દિવસે ટ્રાયલ રન સફળ રહી હતી.

આ સફળ ટ્રાયલ રનને શહીદ જવાનોને સમર્પિત કરાયું હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય સેનાએ કહ્યું કે, આ કોરિડોર બનાવી રેલવેએ સમગ્ર ભારતમાં સામાન ઝડપથી પહોંચાડવાની વ્યવસ્થાને સુનિશ્ચિત કરી છે. ટ્રાયલ રને આ કોરિડોરની ક્ષમતાની પૃષ્ટિ પણ કરી દીધી છે.

ગલવાન ખીણમાં ગત વર્ષે થયેલ હિંસક ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ ઘટના બાદથી લદ્દાખમાં ભારતીય સેનાએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે, જ્યારે પૂર્વોત્તરમાં પણ સૈન્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. સિક્કિમ અને અરુણાચલ સાથે જોડાયેલી સરહદે ભારતે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. લદ્દાખમાં ભારતે 50 હજાર વધુ જવાનોને તૈનાત કર્યા છે.

અમુક સૈનિકોને શિયાળામાં પરત બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ફરી તૈનાત કરાયા છે. કારણ કે, તિબ્બતમાં ચીની આર્મીએ પોતાનો યુદ્ધાભ્યાસ ચાલુ રાખ્યું છે.ચીને પોતાના સૈનિકોને સંપૂર્ણ વર્ષ સરહદે રહેવા તાલિમ આપવાની સાથે, હવાઈ અને સૈન્ય કેમ્પની સંખ્યા વધારવાનું કામ પણ કર્યું છે. બંને પક્ષોએ પૈંગોંગ વિસ્તારમાંથી સૈનિકોને પરત હટાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તણાવ હજુ પણ યથાવત્ છે.

(12:38 am IST)