Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઈંદોરમાં દેશનો પહેલો ગ્રીન ફંગસનો દર્દી : તાત્કાલિક એરલિફ્ટ કરી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં મોકલાયો

ગ્રીન ફંગસ, બ્લેક ફંગસથી વધુ જોખમી :એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.

ઇન્દોર : બ્લેક, વાઈટ અને યેલો ફંગસ પછી હવે ગ્રીન ફંગસનો કેસ સામે આવ્યો છે. હવે ઈન્દોરમાં ગ્રીન ફંગસનો દર્દી મળી આવ્યો છે. દેશનો આ પહેલો કેસ છે. દર્દીને તાત્કાલિક એરલિફ્ટ કરીને મુંબઇ મોકલી દેવામાં આવ્યો છે. ભારતમાં કોરોનાના કહેર બાદ હવે ફંગસના દર્દીઓ વધી રહ્યા છે. બ્લેક, વાઈટ અને યેલો ફંગસ પછી દેશમાં ગ્રીન ફંગસનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દોરની અરોવિંદો હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીમાં ગ્રીન ફંગસ વિકસિત થયો હતો. તેમને એરલિફ્ટ કરવામાં આવ્યો છે અને તેઓને સારવાર માટે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

માણિકબાગ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય દર્દીને કોરોનાથી ચેપ લાગ્યો હતો. તેના ફેફસામાં 90 ટકા ચેપ લાગ્યો છે. દર્દીને બે મહિનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 10 દિવસ પછી, દર્દીની સ્થિતિ ફરીથી બગડવાની શરૂઆત થઈ. તેના જમણા ફેફસાં પરુ ભરાયો હતો. ફેફસાં અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થઈ ગયો હતો, જેને ગ્રીન ફંગસ કહેવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, ગ્રીન ફંગસ, બ્લેક ફંગસથી વધુ જોખમી છે. આને કારણે, દર્દીની સ્થિતિ સતત બગડતી હતી. દર્દીના મળમાં લોહી આવવા લાગ્યું હતું. તાવ પણ 103 ડિગ્રી પહોંચી ગયો હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.

રાજ્યમાં ગ્રીન ફંગસનો આ પહેલો કેસ છે જે કોવિડ પછીના દર્દીઓમાં જોવા મળ્યો છે. કોરોનાની ગતિ ઓછી થઈ છે, પરંતુ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી. આવી સ્થિતિમાં, ગ્રીન ફંગસનો કેસ સામે આવવો ચિંતાજનક છે. હાલ દર્દીને વધુ સારી સારવાર માટે મુંબઇ મોકલી દેવાયો છે.

(12:17 am IST)