Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પાકિસ્તાની સંસદમાં શર્મસાર કરતૂત : સાંસદોએ બેશરમીની હદ વટાવી : મહિલાઓની હાજરીમાં બેફામ ગાળો બોલ્યા

મારામારી સુધી પરિસ્થિતિ પહોંચી: વિપક્ષના સાંસદોએ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે અપશબ્દો બોલ્યા

નવી દિલ્હી : પાકિસ્તાની સંસદમાં જબરદસ્ત હંગામાનો એક વીડિયો સામે આવ્યો છે. બજેટ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષી સાંસદો વચ્ચે સંસદમાં ઘર્ષણ થતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી. એટલું જ નહીં, હંગામો એટલો વધી ગયો કે મારામારી સુધી પરિસ્થિતિ પહોંચી ગઈ. સાંસદોએ એકબીજાને ખરાબ ગાળો પણ આપી હતી. વિપક્ષના સાંસદોએ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે અપશબ્દો બોલ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સાંસદો એકબીજાને ધક્કામુકી કરતા જોવા મળે છે. એક સાંસદ તો એટલો ગુસ્સે થઈ ગયો કે સંસદમાં જ ગંદી ગાળો બોલવા લાગ્યો. ત્યાં મહિલા સાંસદો પણ હાજર હતા. કેટલીક મહિલા સાંસદોએ દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મામલો શાંત થયો નહીં.

  આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની સંસદમાં સાંસદો દ્વારા આવો હંગામો કરવામાં આવ્યો હોય. વર્ષ 2019ની શરૂઆતમાં વડા પ્રધાન ઇમરાન ખાનની સામે જ સંયુક્ત સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો એકબીજા સાથે ટકરાયા હતા. તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મહિલા સાંસદો સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને ઇમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સૌથી શરમજનક બાબત એ હતી કે જ્યારે આ હંગામો થઈ રહ્યો હતો, ત્યારે વડા પ્રધાન ઇમરાન ખાન, પાકિસ્તાન નૌકાદળ અને વાયુસેનાના વડાઓ અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટોક કમિટીના અધ્યક્ષ પણ સંસદમાં હાજર હતા.

(11:35 pm IST)