Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ટ્રાફિક જામનો વિડીયો થયો વાયરલ

કોરોના કેસ ઓછા થતા સેંકડો ટૂરિસ્ટ્સ હિમાચલ પહોંચ્યા

શુક્રવારથી જ ગાડીઓની સંખ્યા વધી ગઇ છે, છેલ્લા ૩૬ કલાકમાં શિમલામાં પ૦૦૦ ગાડીઓ પ્રવેશી છે

નવી દિલ્હી,તા.૧૫: ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ટૂરિસ્ટ્સના પસંદગીના સ્થળ એવા હિમાચલમાં પણ કોરોના વાયરસનો ખતરો પહેલા જેવો નથી રહ્યો. જેના કારણે રાજ્યએ ટૂરિસ્ટ્સને કોવિડ નેગેટિવ રિપોર્ટ વિના આવવા માટેની અનુમતિ આપી છે. રવિવારના દિવસે હિમાચલ પ્રદેશના એન્ટ્રી પોઈન્ટ, પરવાણુ, જિલ્લા સોલનમાં ગાડીઓની લાંબી લાઈન જોવા મળી. અહીં ઉલ્લેખનીય છે કે બોર્ડર ખુલી હોવા છતાં મુસાફરી માટે કોવિડ-૧૯ ઈ-પાસ જરૂરી છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, છેલ્લા ૩૬ કલાકમાં શિમલામાં ૫૦૦૦ ગાડીઓ પ્રવેશી છે. શિમલા પોલીસે તમામ ટૂરિસ્ટ્સને કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે. પોલીસે ચેતવણી આપી છે કે માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાંના એક અધિકારીના જણાવ્યા મુજબ, શુક્રવારથી જ ગાડીઓની સંખ્યા વધી ગઈ છે. પંજાબ અને દિલ્હીથી આવી રહેલા ટૂરિસ્ટ્સ પહાડી વિસ્તાર તરફ જઈ રહ્યા છે. રવિવારે આટલી બધી ભીડ થશે કોઈએ વિચાર્યું નહોતું, આ કારણે ટ્રાફિક જામ થઈ ગયો. ટ્રાફિક જામ થવા અંગેનું કારણ આપતા અધિકારીએ જણાવ્યું કે ઈ-પાસના ચેકિંગમાં સમય લાગે છે. ઘણાં લોકોએ રજિસ્ટર કરાવ્યું હતું અને તેઓને નિર્દેશ આપવામાં સમય લાગ્યો હતો. ચંદીગઢ અને મોહાલીથી ઘણાં ટૂરિસ્ટ્સ પંચકુલાથી હિમાચલ પ્રદેશ તરફ જવા લાગ્યા જેના કારણે કાલકા-શિમલા નેશનલ હાઈવે પર પણ ભયંકર ટ્રાફિક જામ જોવા મળ્યો. પંચકુલામાં કોઈ વીકેન્ડ કર્ફ્યુ લાગુ કરાયો નહોતો. હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે ગત શુક્રવારે કર્ફ્યુના નિયમ હળવા કર્યા અને કોરોના નેગેટિવ ટેસ્ટ વિના જ ટૂરિસ્ટ્સને એન્ટ્રી પર અનુમતિ આપી. ત્યાં સાંજે ૫ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

(4:09 pm IST)