Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ચીને લદ્દાખ સરહદે શકિતશાળી સ્ટીલ્થ બોમ્બર ફાઇટર વિમાન એચ-ર૦નું પરીક્ષણ કર્યુ

૮પ૦૦ કિ.મી. સુધી હુમલો કરવા સક્ષમ : અમેરિકન નૌકાદળ ગુઆમ સુધી હુમલો કરી શકે

નવી દિલ્હી, તા. ૧પ : ભારતની સરહદે ચીને સૌથી શકિતશાળી સ્ટીલ્થ બોમ્બર ફાઇટર વિમાન એચ-૨૦નું પરીક્ષણ શરૂ કર્યું છે. આ ફાઈટર વિમાનોનું પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી થયું હતું અને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલના આકાશને આ વિમાનોએ ધમરોળ્યું હતું. આ છેલ્લાં તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે.

ચીને શિયાન એચ-૨૦ સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાનોનું છેલ્લાં તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. ભારતની સરહદેથી નજીક આવેલા હોતાન એરબેઝથી આ વિમાનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેના કારણે ભારત-ચીનની સરહદે આકાશ ગાજી ઉઠયું હતું. ચીન એચ-૬ પ્રકારના વિમાનોને રિપ્લેસ કરીને એચ-૨૦ સ્ટીલ્થ બોમ્બર ફાઇટર વિમાનોને વાયુસેનામાં સામેલ કરશે.

સ્ટીલ્થ બોમ્બર પ્રકારના ફાઈટર વિમાનો રડારમાં પકડાયા પહેલાં જ હુમલો કરવા સક્ષમ છે. ડિફેન્સ એકસપર્ટ્સના કહેવા પ્રમાણે ભારતે રફાલ વિમાનોને વાયુસેનામાં સામેલ કર્યા તે પછી ચીને એચ-૨૦નું પરીક્ષણ ઝડપી બનાવ્યું હતું. આઠમી જૂનથી ચીને પરીક્ષણ શરૂ કર્યું હતું અને આ પરીક્ષણ છેક ૨૨મી જૂને પૂરું થશે. ૨૨મી જૂને ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરા થતાં હોવાથી એ દિવસે જ સ્ટીલ્થ ફાઈટર વિમાન એચ-૨૦ને સૈન્યમાં સામેલ કરવાની જાહેરાત થાય એવી શક્યતા વ્યકત થઈ રહી છે.

આ સ્ટીલ્થ લડાકુ વિમાનો વધારે વજન વહન કરવા સક્ષમ છે અને વધારે અંતર સુધી હુમલો કરવા સક્ષમ છે. ચીન તેના એરબેઝ પરથી જો વિમાનની મદદથી હુમલો કરે તો એ અમેરિકાના હવાઈ સુધી હુમલો કરવા સક્ષમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે કે ૮૦૦૦થી ૯૦૦૦ કિલોમીટરના અંતર સુધી હુમલો કરવાની ક્ષમતા આ વિમાનોમાં હોય છે.

આ ફાઈટર વિમાનો પરમાણુ હુમલો પણ કરી શકે છે. આ લડાકુ વિમાનો ચીનની વાયુસેનામાં સામેલ થશે એટલે તેની ક્ષમતા અનેક ગણી વધી જશે. ભારત માટે ચિંતાનો વિષય એ બનશે કે ચીન એચ-૨૦ની મદદથી ભારતના કોઈ પણ ખૂણાને નિશાન બનાવવા સક્ષમ થઈ જશે. વળી, તે રડારને ચકમો આપી શકે તેમ હોવાથી વધારે સાવચેતી રાખવી પડશે.

અમેરિકાના સંરક્ષણ વિભાગે એચ-૨૦ સ્ટીલ્થ વિમાનો બાબતે અહેવાલ આપ્યો હતો એ પ્રમાણે ચીનનું આ ફાઈટર વિમાન ૫૨૮૧ માઈલ એટલે કે અંદાજે ૮૫૦૦ કિલોમીટર સુધી હુમલો કરવા સક્ષમ છે. તે હિસાબે ચીનનું આ ફાઈટર વિમાન અમેરિકન નૌકાદળ ગુઆમ સુધી હવાઈ ટાપુ સુધી હુમલો કરવા સક્ષમ છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ આ એચ-૨૦ સ્ટીલ્થ વિમાનોને અમેરિકા અને ભારત-જાપાન જેવા મિત્ર રાષ્ટ્રો માટે ખતરારૂપ ગણાવ્યા હતા. આ વિમાનો અમેરિકાના બી-૨ની નકલ જેવા દેખાય છે. એચ-૨૦માં દસ ટન વજનના હથિયારો લાદવાની ક્ષમતા છે.

(1:52 pm IST)