Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પ્રશાંત કિશોર સાથે સંબંધો જાળવી રાખશે મમતા

પ્રશાંત કિશોરની ટીમને બોર્ડમાં કરી સામેલ : મમતાને જીતાડવામાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંતની મહત્વપૂર્ણ ભૂમિકા

કોલકતા,તા. ૧૫ : પશ્ચિમબંગાળમાં સત્તા વિરોધી લહેરને હટાવીને વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી મમતા બેનર્જી આગામી ચૂંટણી માટે અત્યારથી રણનીતિ બનાવી રહ્યા છે. તેના માટે તૃણમૂલ કોંગ્રેસે ૨૦૨૬માં થનાર વિધાનસભા ચૂંટણી સુધી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભારતીય રાજકીય કાર્યવાહી સમિતિ (I-PAC)ને બોર્ડમાં સામેલ કરી છે.

લોકસભા ચૂંટણીમાં અપેક્ષકૃત, ખરાબ પ્રદર્શન પછી મમતાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઉર્ફે પીકેનો પાલવ પકડયો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ૨૦૦ થી વધારે બેઠક મેળવવાનો દાવો કરી રહી હતી પણ પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી હતી કે ભાજપા ૧૦૦ આંકડો પણ પાર નહીં કરી શકે. ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ થઇ ગયું કે મમતા બેનર્જીને ત્રીજી વાર મુખ્યપ્રધાન બનવામાં પીકે એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

હવે વિધાનસભા ચૂંટણીઓ પતી ગઇ છે પણ ટીએમસી સુત્રોનું કહેવુ છે કે પીકે અને ટીએમસી વચ્ચે સંબંધો ચાલુ રહેશે. સુત્રો અનુસાર પ્રશાંત કિશોરનું સંગઠન પહેલાની જેમ જ ટીએમસી સાથે કામ ચાલુ રાખશે. જેમાં પીકેની ઓફિસ અને તેની ફિલ્ડ ઉપસ્થિતી પણ સામેલ છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે. જ્યારે હાલમાં જ પ્રશાંત કિશોરે ચૂંટણી રણનીતિકારનો રોલ છોડી દેવાનો દાવો કર્યો હતો.

(1:02 pm IST)