Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભાઠે ભરાઇ ગયેલ ઇમરાન અંતે ચીન સાથેના સંબંધોની વાતો કરવા લાગ્યા

મુસ્લિમોના મસીહા બનતા ઇમરાનખાનને ઉઇગરો બાબતે પુછતા બોલતી બંધ

ઇસ્લામાબાદ, તા. ૧પ :  દુનિયાભરના મુસ્લિમોના મસીહા બનનાર પાકિસ્તાન ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચારો  પર મૌન બની જાય છે. ચીનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ જીનજીયાંગ પ્રાંતમાં થનારા માનવાધિકારોના ભંગ પર મૌન બની જવા માટે પાકિસ્તાનની ટીકાઓ પણ થતી રહે છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને મૌન ભંગ કરતા જણાવ્યું છે કે શા માટે તે ઉઇગર મુસ્લિમોનો બચાવ નથી કરતા. ઇમરાને કહ્યું કે ચીન સાથે તેમના આર્થિક સંબંધો છે એટલે તે બૈજીંગની ટીકા નથી કરી શકતા.

આમ ફરીથી એકવાર એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે ચીને પાકિસ્તાન સરકારના પગમાં કેવી રીતે આર્થિક બેડીઓ નાખેલી છે. મીડીયા રિપોર્ટસ અનુસાર, હાલના વર્ષોમાં લગભગ ૧૦ લાખ ઉઇગર મુસ્લિમોને રી-એજયુકેશન કેમ્પમાં બંધ કરીને રખાયા છે જયાં તેમના પર જાત જાતના અત્યાચારો થાય છે. ચીની અધિકારીઓ પર આરોપ છે કે આ કેમ્પોમાં ઉઇગર મુસ્લિમો પાસે જબરદસ્તથી મજુરી કરાવાય છે, સાથે જ પ્રણાલીગત જન્મ નિયંત્રણ અને યાતનાઓ અપાય છે. આ ઉપરાંત પરિવારોને તેમના બાળકોની અલગ કરી દેવાય છે.

સીબીસી ન્યુઝને આપેલ એક ઇન્ટરવ્યુમાં ઇમરાનખાન કેનેડામાં હાલમાં જ હેર ક્રાઇમનો શિકાર બનેલ એક પાકિસ્તાનની પરિવાર અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. પણ જયારે ઇમરાનને સવાલ પુછાયો કે તેઓ ચીનના ઉઇગર મુસ્લિમો બાબતે કેમ કંઇ નથી બોલતા તો ઇમરાને કહ્યું કે ચીન સાથે અમારા આર્થિક સંબંધો છે, તે અમારો પાડોશી દેશ છે અને અમારા મુશ્કેલ સમયમાં તે અમારા માટે બહુ સારો રહ્રયહ્યો છે એટલે અને એ તથ્યનું સન્માન કરીએ છીએ.

(1:01 pm IST)