Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આવકવેરાની નવી વેબસાઇટની સમસ્યાઓ હજુ યથાવતઃ CBDTએ મેન્યુઅલ ફોર્મ સબમિટ માટે પરવાનગી આપી

હવે કરદાતાઓ ફોર્મ ૧૫ CA અને ૧૫ CB ઇલેકટ્રોનિકલી ફાઇલ કરવાને બદલે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરી શકશે

નવી દિલ્હી,તા.૧૪: આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ પર યુઝર્સને તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ જોતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (CBDT) એ કરદાતાઓને રાહત આપી છે. હવે કરદાતાઓ ફોર્મ ૧૫ CA અને ૧૫ CB ઇલેકટ્રોનિકલી ફાઇલ કરવાને બદલે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરી શકે છે.

CBDTએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એક અઠવાડિયા પહેલા આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કર્યું હતું પરંતુ યુઝર્સ તેના પર તકનીકી અવરોધોનો સામનો કરી રહ્યા છે.

ગઈકાલે સોમવારે સાંજે એક ટ્વિટમાં આવકવેરા વિભાગે કહ્યું કે, નવા ઈ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ ૧૫ CA અને ૧૫ CB ફોર્મ ભરવા માટે ઇલેકટ્રોનિક ફાઇલિંગમાં રાહત આપી છે.' આ ફોર્મ ૩૦ જૂન, ૨૦૨૧ સુધી અધિકૃત ડીલર મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે કરદાતાને સગવડતા મળે તે હેતુથી નવું પોર્ટલ http://incometax.gov.in ૭ મી જૂને શરૂ કરાયું હતું. પરંતુ વપરાશકર્તાઓએ પહેલા દિવસથી પોર્ટલ પર તકનીકી સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું જેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે કરદાતાઓ અગાઉના ઇ-ફાઇલ કરેલા રિટર્ન પણ જોઈ શકતા નથી.

ઉહાપોહ થયા બાદ આજે મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઈન્ફોસિસને આ વેબસાઇટની સમસ્યાઓનું વહેલી તકે અંત લાવવા કહ્યું હતું. સીતારામને ઇન્ફોસીસ અને તેના અધ્યક્ષ નંદન નીલેકણીને વહેલી તકે આવકવેરા વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટમાં તકનીકી અવરોધો સુધારવા જણાવ્યું હતું.

(1:01 pm IST)