Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બાળક થાકેલુ કે ઝડપથી શ્વાસ લેતુ હોય તો ડોકટરનો કરો સંપર્કઃ કોરોનાથી બાળકને બચાવવા માટેની માર્ગદર્શીકા જાહેર

જો બાળકને સતત ચારથી પાંચ દિવસ સુધી તાવ આવતો હોયઃ તે ઓછું જમતો હોય, બાળક કંટાળો અનુભવે છે તેમ લાગતુ હોય તો માતાપિતાએ સાવચેત થઈ જવુ જોઈએ : તમારા બાળકમાં આ લક્ષણો દેખાતા હોય તો તરત જ ડોકટરનો કરો સંપર્ક

નવી દિલ્હી, તા.૧૫: કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી છે તે દરમિયાન આયુષ મંત્રાલયે બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જો બાળકને સતત ચારથી પાંચ દિવસ સુધી તાવ આવતો હોય, તે ઓછું જમતો હોય, બાળક કંટાળો અનુભવે છે તેમ લાગતુ હોય તો માતાપિતાએ સાવચેત થઈ જવુ જોઈએ. જો ઓકિસજનનું સ્તર ૯૫ ટકાથી ઓછું હોય તો પછી વિલંબ કર્યા વિના ડોકટરની સલાહ લેવી જોઈએ. જો શકય હોય તો, બાળકોને વૃદ્ઘોથી દૂર રાખવા જોઈએ, લક્ષણો વિનાનાં બાળકો વૃદ્ઘો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

આ નિયમોનું કરો પાલન

 બાળકોને પીવા માટે નવશેકું ગરમ પાણી આપો

 બે વર્ષથી મોટા બાળકને સવારે અને રાત્રે બ્રશ કરવાનું કહો

 પાંચ વર્ષથી ઉપરના બાળકને નવશેકા ગરમ પાણીથી કોગળા કરવાનું કહો

 તેલથી માલિશ કરો, નાકમાં તેલ નાખો

 પાંચ વર્ષથી ઉપરના બાળકો તેમની ક્ષમતા અનુસાર યોગ કરાવડાવો

 ઉકાળો આપો

બાળકોની રોગપ્રતિકાર શકિત વધારવા માટે હળદર નાખેલુ દૂધ પિવડાવવુ, ચ્યવનપ્રાશ આપવો. આયુષ બાળ કવાથ આપી શકાય છે. લક્ષણોના આધારે કોરોના સંક્રમિત બાળકોને વિવિધ આયુર્વેદિક દવાઓ આપી શકાય છે. પરંતુ તબીબી સલાહ વિના કોઈ જ આયુર્વેદિક દવા બાળકોને ન આપવી. ખોરાકમાં લીલી શાકભાજી અને ફળો આપવા જોઈએ. બાળકોને સમજાવવું જોઈએ કે વર્તમાન સમયમમાં બહાર જવું તેમના સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.

બીમાર બાળકો વિશે સાવચેત રહો

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મદસ્વીતા ધરાવનારા, ટાઇપ -૧ ડાયાબિટીઝ હોય તે, હૃદય, ફેફસાં અથવા રોગપ્રતિકારક શકિતની તકલીફ જેવી ગંભીર બીમારીઓવાળા બાળકો માટે કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં, માતાપિતાએ તેમના બાળકો વિશે વધુ કાળજી લેવી પડશે. ખાસ કરીને કેન્સર સહિતની અન્ય બીમારીઓથી પીડિત બાળકો, કે જેમની દવાઓ ચાલુ છે, તેઓએ તબીબી સલાહ મુજબ સમયસર દવાઓ આપતા રહેવુ.

બાળકોને વાયરસથી બચાવવા પડકાર

આયુષ મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના લોકોની સરખામણીએ બાળકોને કોરોનાના વાયરસથી સુરક્ષિત રાખવા એ પડકારજનક હશે. દરેક બાળકની શારીરિક, માનસિક અને રોગપ્રતિકારક શકિત જુદી જુદી હોય છે. આવી સ્થિતિમાં, માતા-પિતા બાળકો વિશે જે પણ સાવચેતી રાખે છે, અથવા તેઓ તેમના માટે જે પણ નિયમોનું પાલન કરે છે, તેઓએ ડોકટરની સલાહ લેવી જ જોઇએ. તબીબી સલાહ વિના કંઈ પણ ના કરો જણાવ્યુ છે.

બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે, તેમને નિયમિતપણે હાથ ધોવાની ટેવ પાડવી પડશે. જો બાળક હાથ ધોવા માટે તૈયાર ન થાય તો તેને સમજાવવો જરૂરી છે કે કેમ હાથ ધોવા જરૂરી છે.

કોરોનાના વાયરસ મોટાભાગે નાક વાટે શરીરમાં પ્રવેશ કરે છે. બાળકમાં કોરોનાના વાયરસને પ્રવેશતા અટકાવવા માસ્ક પહેરવાનું કહેવુ જોઈએ. ખાસ કરીને જયારે તેઓ કયાંક બહાર જતા હોય છે. ૫ થી ૧૮ વર્ષની વયના બાળકો માટે માસ્ક ફરજિયાત છે. બેથી પાંચ વર્ષની વયના બાળકોએ પણ માસ્ક પહેરવાની જરૂર છે, પરંતુ તે બાળકના માતાપિતાએ તેમના પર સતત નજર રાખવી પડશે. બાળકો માસ્ક પહેરે તે માટે તેમને મનગમતા માસ્ક લાવી આપવા જોઈએ.

કોરોના વાયરસના ઘણા પ્રકારો હાલમાં જોવા મળી રહ્યાં છે. આ સંજોગોમાં બાળકો વાયરસના સંપર્કમાં ન આવે તે માટે તેમને ઘરની અંદર જ રાખવા હિતાવહ છે. બાળકો સાથે મુસાફરી કરવાનું ટાળો, વિડિઓ કોલ દ્વારા બાળકોને તેમના મિત્રો અને પરિવારના અન્ય સભ્યો તેમજ તેમની ઉમરના સગા સંબધીઓ સાથે સંપર્કમાં રાખો જેથી તેમને એકલવાયુ નહી લાગે.

(11:50 am IST)