Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોના ઇફેકટ

ભારતીય રેલવેને ૧૫૦ કરોડનું નુકસાન

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના વાયરસના કારણે લાગેલ લોકડાઉનથી ભારતીય રેલવેને ઘણું નુકસાન થયું છે. કોરોના સંકટ દરમિયાન રેલવેએ ટીકીટ ના હોય તેવા લોકોની પ્લેટફોર્મ પર એન્ટ્રી બંધ કરી દીધી હતી. પ્લેટફોર્મ ટીકીટો દ્વારા રેલવેને મળતી આવક નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. પ્લેટફોર્મ ટીકીટોથી થતી આવક ગયા વર્ષની સરખામણીમાં ૯૪ ટકા ઘટી ગઇ હતી.

એક આરટીઆઇ અનુસાર કોરોના સંકટના કારણે રેલવે સ્ટેશનોમાં પ્રવેશ પર મુકાયેલ પ્રતિબંધોના કારણે પ્લેટફોર્મ ટીકીટની આવક ઘટી છે. એક આરટીઆઇના જવાબમાં રેલવેએ જણાવ્યું કે, ૨૦૨૦-૨૧ના ફેબ્રુઆરી સુધીમાં પ્લેટફોર્મ ટીકીટના વેચાણથી તેને ૧૦ કરોડની આવક થઇ હતી. ૨૦૧૯-૨૦માં રેલવેએ પ્લેટફોર્મ ટીકીટના વેચાણ દ્વારા ૧૬૦.૮૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી વધારે હતી.

પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૦માં વડાપ્રધાન મોદી દ્વારા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત પહેલા જ રેલવેએ સ્ટેશનો પર ભીડ પર પ્રતિબંધ મુકયો હતો. લોકોને સ્ટેશન આવતા રોકવા માટે પ્લેટફોર્મ ટીકીટના ભાવ ૧૦ રૂપિયાથી વધારીને ૩૦ રૂપિયા અને કેટલાક ઝોનમાં ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે રેલવેનું કહેવું છે કે ટીકીટોના ભાવ થોડા સમય પૂરતા જ વધારાયા છે પછી તેને પહેલા જેટલા કરવામાં આવશે.

હવે ફરીથી એકવાર રેલવેએ દિલ્હી ડીવીઝનના બધા ૮ મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટીકીટ આપવાની સુવિધા શરૂ કરી છે. જો કે તેની કિંમત ૩૦ રૂપિયા રહેશે. જે આઠ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટીકીટ મળશે તેમાં નવી દિલ્હી, દિલ્હી જંકશન, હઝરત નિઝામુદ્દીન, આનંદ વિહાર, મેરઠ સીટી, ગાઝીયાબાદ, દિલ્હી સરાઇ રોહીલ્લા અને દિલ્હી કેંટ રેલવે સ્ટેશન સામેલ છે.

(11:04 am IST)