Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગુજરાતે અર્થતંત્રમાં ઊંચી વૃદ્ધિના પ્રવાહ અને ૯.૯ ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ સાથે છેલ્લા બે દાયકાનો રેકોર્ડ જાળવ્યો

વડાપ્રધાનની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલની પાંચમી બેઠકમાં ગુજરાતના પ્રભાવક વિકાસનું વિસ્તૃત વિવરણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નવી દિલ્હી :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિગ કાઉન્સીલની પાંચમી બેઠકમાં સ્પષ્ટ પણે  જણાવ્યું કે ગુજરાત રાષ્ટ્રીય વિકાસ એજન્ડા હેઠળ યુએન ગ્લોબલ 2030 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના એજન્ડાને સાકાર કરવા પ્રતિબધ્ધ છે. 

આ પ્રતિબધ્ધતા રૂપે ગુજરાતે સસ્ટેનેબલ વિઝન 2030 એજન્ડા તૈયાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના નયા ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત કોઇ કચાશ રાખશે નહિ એવો વિશ્વાસ તેમણે આપ્યો હતો. 

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસની પ્રભાવક  પ્રસ્તૃતિ કરતા કહ્યું કે ટીમ ગુજરાતના સંવેદનશીલ, પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ ગવર્નન્સ અભિગમને કારણે ગુજરાતની  અર્થવ્યવસ્થામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજયના અર્થતંત્રમાં ૯.૯  ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિને પ્રાપ્ત કરીને છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ ગુજરાતે જાળવી રાખ્યો છે. 

એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં 2017-18 દરમિયાન 11.2 ટકાનો હાઇ ગ્રોથ રેટ હાંસલ કર્યો છે.  ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદનમાં પોતાના ટોચના ક્રમને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટમાં 16.8 ટકા હિસ્સા સાથે જાળવી રાખ્યો છે.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે ક્રિસિલના તાજેતરના ગ્રોથ 2.0 રિપોર્ટમાં પણ ગુજરાત જીએસડીપી વૃદ્ધિ દર, નાણાકીય વ્યવસ્થાપન, રોજગાર નિર્માણ, ભાવ અંકુશ અને અન્ય મહત્વના પરિમાણોમાં અગ્રણી રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. 

  નીતિ આયોગના એસડીજી ઇન્ડેક્સ ઇન્ડિયા રિપોર્ટ 2018 મુજબ સામાજિક-આર્થિક સૂચકાંકોમાં પણ ગુજરાત ભારતના ટોપ થ્રી પર્ફોર્મિંગ સ્ટેટ્સમાં સ્થાન ધરાવે છે. તેનો વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે નીતિ આયોગ દ્વારા પ્રકાશિત થયેલા "કંપોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ 2018" ના અહેવાલમાં પણ ગુજરાત ટોપ પર રહ્યું છે. 

  ગુજરાતમાં 2600 કિ.મી.થી વધુની રાજ્યવ્યાપી નેચરલ ગેસ ગ્રીડ ધરાવનારૂં દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાજ્ય છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં અનેક વહીવટી પ્રક્રિયામાં સરળીકરણ અને ઑનલાઇન મોડમાં સેવાઓ પૂરી પાડવાની સફળતા સરકારે મેળવી છે. રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા જેવા જાહેર કાર્યક્રમો દ્વારા લાભાર્થી લક્ષી યોજનાઓને અમલમાં મૂકી છે અને સીધા જ લાભાર્થીના બેંક ખાતાઓમાં ધિરાણ લાભ ટ્રાન્સફર કરીને પારદર્શીતાના ઉદાહરણો પૂરા પાડયા છે. 

  શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યના સરકારના વિભાગો અને સેવાઓનું રિયલ ટાઇમ મોનિટરીંગ અને અસરકારક ડીલીવરી સીસ્ટમ માટે સી.એમ. ડેશબોર્ડ સફળ અને દિર્ઘદ્રષ્ટિ પૂર્ણ માધ્યમ બન્યું છે. 

તેમણે નદીઓને પૂર્નજીવિત કરવાની ગુજરાતની નવી પહેલની ભૂમિકા આપતા કહ્યું કે રાજ્યમાં  ભૂતળ જળ રિચાર્જ અને દરેક જીલ્લામાં ઓછામાં ઓછી એક નદીને પૂર્નજીવિત કરી જળસંગ્રહ – જળસંચય માટે સુજલામ સુફલામ જળઅભિયાન ઉપાડયું છે. 

  મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ગુજરાતે સોલાર અને વિન્ડ પાવર પોલિસી જાહેર કરી છે. એટલું જ નહિં આ પોલિસીઓ તહત ૩૦ હજાર મેગાવોટ વિજ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. 

  શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે શરૂ કરેલી મહત્વાકાંક્ષી મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટિસશિપ યોજનાની વિગતો આપતા કહ્યું કે આ યોજના રૂ. 272 કરોડના પ્રાવધાન સાથે એક લાખ યુવાઓને એપ્રેન્ટિસ તરીકે રોજગાર અવસર આપવાની છે. આ યોજનામાં આ વર્ષ દરમિયાન, 72000 એપ્રેન્ટિસશિપ કોન્ટ્રાક્ટ્સ સાથે ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. 

  મિશન મોડ અભિગમના પરિણામે પોર્ટલ પર કુલ 16010 એકમોની નોંધણી શક્ય બની છે અને ગુજરાત રાષ્ટ્રીયસ્તરે બેસ્ટ પર્ફોમીંગ સ્ટેટ બન્યું છે. ગુજરાતે ર૦૧૮ના વર્ષમાં રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા 3,35,621 ઉમેદવારોને રોજગારી પૂરી પાડી છે.

   મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે સરકારી યોજનાના લાભાર્થીઓને આપવાના થતા યોજનાકીય લાભો માટે ડીબીટીનો અમલ કરવામાં ગુજરાત અગ્રણી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં રૂ. 15742 કરોડની 251 યોજનાઓમાં યોજનાકીય લાભો લાભાર્થીના બેંક ખાતાઓમાં સીધા જમા કરાવવામાં આવ્યા છે.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે ગુડ ગવર્નન્સ સરકારની પ્રાથમિકતા છે અને નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવા ઘણી બધી પ્રક્રિયાઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે. 

વરસાદી પાણીના સંગ્રહ અંગેના ગુજરાતના અભિનવ પ્રયોગનું વિસ્તૃત વિવરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે "પંચશક્તિ"નું તત્વજ્ઞાન આપ્યું હતું. પંચશક્તિમાંની એક જળશક્તિ છે. આ જળશકિતનો મહિમા કરતા અમે વિવિધ કાર્યક્રમો દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે ત્રીસ્તરીય વ્યૂહ અપનાવ્યો છે. આ વ્યૂહમાં લોકોના ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ, સામૂદાયીક (કોમ્યુનીટી)  લેવલ  અને મોટા જળાશયો તથા નદીઓમાં વરસાદી પાણી સંગ્રહની પધ્ધતિઓ અપનાવી છે. 

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે જળસંરક્ષણ, જળવ્યવસ્થાપન અને જળ વિતરણની સ્ટ્રેટેજી સુનિશ્ચિત કરી છે. ‘સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા હયાત જળસંગ્રહ ક્ષમતામાં ૩૦,૦૫૮ કામો દ્વારા રર હજાર લાખ કયુબીક ફીટની સંગ્રહ ક્ષમતા વધારી છે. 

મુખ્યમંત્રીએ આ બેઠકમાં ગુજરાતની વરસાદની સ્થિતિની વિગતો આપતા કહ્યું કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો પ૮ ટકા વિસ્તાર અર્ધ-શુષ્ક અને શુષ્ક ઝોન છે જયાં વાર્ષિક 400-600 એમએમ વરસાદ વરસે છે. ગુજરાત આપત્તિને અવસરમાં પલટવાના સંસ્કાર ધરાવે છે. તેથી જ તાજેતરના વર્ષોમાં વરસાદની ખામી અને ઓછા વરસાદની અસરોને ઘટાડવા માટે સુઆયોજીત પગલાં લીધાં છે.

તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં એસ્પિરૅશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ જે બે જિલ્લાઓ આવરી લેવાયેલા છે તેમાં ફાસ્ટ ટ્રેકીંગ ડેવલપમેન્ટના પહેલરૂપ ઇનીશ્યેટવીઝ લીધા છે. એસ્પિરૅશનલ ડિસ્ટ્રિક્ટના  આરંભિક આધાર રેન્કિંગ અહેવાલ મુજબ, માર્ચ 2018માં દાહોદ અને નર્મદા જિલ્લા અનુક્રમે 17 અને 18 માં ક્રમે હતા. હવે, આરોગ્ય, પોષણ અને શિક્ષણના ક્ષેત્રોના સંદર્ભમાં રાજ્ય સરકારે લીધેલા સુગ્રથિત પગલાંઓને કારણે દાહોદ 11 માં ક્રમે અને નર્મદા 12માં ક્રમે છે.

મુખ્યમંત્રીએ કૃષિ ક્ષેત્રની સિધ્ધિઓની વિગતો આપતાં કહ્યું કે છેલ્લા ૧પ વર્ષમાં ગુજરાતનો કૃષિ વિકાસ બમણો રહ્યો છે. રાજ્ય સરકારે કૃષિ પ્રોત્સાહક નીતિઓ દ્વારા કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી છે. ગત  વર્ષ દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11% નો વધારો થયો છે. એટલું જ નહિ દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાત 7.3% ફાળો આપે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 

ગુજરાતના મુખ્ય સચિવ  ડૉ. જે. એન. સિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

(9:55 pm IST)