Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

5મી જુલાઈએ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી;ક્રોસ વોટિંગ થવાના એંધાણ

સવારે 9 થી સાંજે 4 સુધી મતદાન ત્યારબાદ મતગણતરી :અમિતભાઇ શાહ અને સ્મૃતિ ઇરાનીની ખાલી સીટ માટે મતદાન

ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે 5મી જુલાઈએ ચૂંટણી યોજાશે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. 5 જુલાઈના દિવસે જ મતગણતરી કરવામાં આવશે. જપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ અને સ્મૃતિ ઈરાની બન્ને રાજ્યસભાના સાંસદ હતા. પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ વિજયી બનતા બે સીટો માટે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે.

  આ માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વર્તમાન ગણતરી પ્રમાણે ભાજપને એક જ રાજ્યસભાની સીટ મળે તેમ છે. પરંતુ સુત્રોના જણાવ્યાં પ્રમાણે ભાજપ બન્ને સીટો જીતવા માટે પ્રયત્નશિલ છે.

  લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લીધી પરંતુ હવે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અને પક્ષની રણનીતિ પ્રમાણે અત્યારથી જ મહેનત ચાલુ કરી દીધી છે. હાલની સ્થિતિએ ભાજપને બન્ને સીટો જીતવા 16 જેટલા ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવુ પડશે. એટલે કે વધુ એક વખત ભાજપ ગઠજોડ કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

   ગુજરાતમાં રાજ્યસભાના 2 સાંસદો માટે ચૂંટણી થવાની છે. અને પ્રત્યેક બેઠક જીતવા 60 -60 વોટની જરૂર પડે. સીધી રીતે જ જો મતદાન થાય તો બન્નેને એક એક સાંસદો મળે. પરંતુ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે બન્ને સીટો કબ્જે કરવા ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યુ છે. ભાજપને જો બન્ને સીટો જીતવી હોય તો કુલ 121 મતો જોઈએ. અને ભાજપ પાસે સંખ્યાબળ 105 જેટલુ છે.

   ભાજપને 16 જેટલા ધારાસભ્યોના મત ખૂટી રહ્યા છે ત્યારે હવે સવાલ ક્રોસ વોટિંગનો ઉભો થાય છે. એક ગણતરી એવી છે કે ભાજપ કોઈ પણ ધારાસભ્યોને તોડશે નહી પરંતુ તેમની પાસે ક્રોસ વોટિંગ કરાવશે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે.

 સુત્રોના મતે ભાજપે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભૂત્વવાળી સીટ પર મીટ માંડી છે.

(9:09 pm IST)