Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વાયુ વાવાઝોડુ ૧૭-૧૮મીએ કચ્છને હિટ કરે તેવા એંધાણો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે :વાયુ વાવાઝોડા જામનગરની નજીક વાડીનાર અને કચ્છ તરફથી ધીમીગતિએ આગળ વધશે : તીવ્ર પવન ફુંકાશે : તંત્ર દ્વારા હજુય સાવચેતીના બધા પગલા

અમદાવાદ,તા. ૧૫ : વાયુ વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર પરથી ટળી ગયો છે પરંતુ વાયુ વાવાઝોડુ કચ્છને ૧૭ અથવા તો ૧૮મીએ હિટ કરી શકે છે. આનો મતલબ એ થયો કે, વાયુ વાવાઝોડાની અસર હજુ પણ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. આસપાસના વિસ્તારોમાં તીવ્ર પવન ફુંકાશે. હવામાન વિભાગના કહેવા મુજબ વાયુ વાવાઝોડુ હાલમાં દરિયામાં સ્થિર છે. આ સિસ્ટમ હવે આગળ વધશે. આગામી ૨૪ કલાક દરમિયાન નબળી પડીને આગળ વધશે. ૧૭મી જૂનના દિવસે અથવા તો ૧૮મીએ કચ્છે હિટ કરી શકે છે. વાવાઝોડું હજુ પણ પોરબંદરથી ૨૦૦ કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના મતે, ૪૮ કલાક જેટલો સમય દરિયામાં ઘુમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ તરફ ધીમીગતિએ આગળ વધશે અને તા.૧૭મી જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. આ સમયે અંદાજે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદ માહોલ છવાશે. બીજીબાજુ, વાયુ વાવાઝોડાની કચ્છ તરફની ગતિને લઇ રાજય સરકાર અને તંત્ર હજુ એલર્ટ પર છે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી રખાઇ છે. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે આજે પણ સૌરાષ્ટ્ર અને રાજયના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો, પોરબંદરના દરિયા સહિતના દરિયામાં આજે પણ કરંટ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હાલ ૫૦ નોટ એટલે કે ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે. તા.૧૭ જૂનની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે. ત્રણ દિવસ પહેલાં તા.૧૨મી જૂને વાયુ અત્યંત શક્તિશાળી બન્યું ત્યારે ભેજ શોષી લીધો હતો અને તેથી નૈઋત્યનું ચોમાસુ ૧૫થી ૨૫ દિવસ મોડું થવાની શકયતા ઊભી થઈ હતી. હવે તા.૧૭મી જૂન સુધીમાં વાયુ જામનગર અને કચ્છના દરિયા વિસ્તારમાં ત્રાટકીને વિખેરાઈ જવાનું છે ત્યારે તા.૧૮મી જૂન બાદ નવી સિસ્ટમ બન્યા બાદ નૈઋત્યનું ચોમાસું આગળ ધપશે. હાલના તબક્કે પોરબંદરથી ૨૦૦ કિલોમીટર સ્થિર થયેલા વાયુના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને આ વિસ્તારોમાં એકથી પાંચ ઈંચ સુધીનો વરસાદ પડતો રહેશે. વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ ગયા બાદ ચોમાસું દૂર જવાના જે ચિંતાના વાદળો ઘેરાયા છે તે પણ દૂર થશે. એટલે તા.૧૮મી જૂન સુધીમાં શું થાય છે તેના પર હવામાન વિભાગના અધિકારીઓની નજર છે. તો, બીજીબાજુ, વાયુ વાવાઝોડાની કચ્છ તરફની ગતિને લઇ રાજય સરકાર અને તંત્ર પણ એકદમ એલર્ટ પર છે. તાલાલાનાં પીંખોર ગામે ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતનું વાડી વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉનાનાં રાજપરા ગામનો માછીમાર ૩ દિવસથી ગુમ થયા બાદ આજે જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી માછીમારના મૃતદેહને પીએમ માટે જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. વાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.

ઉપરાંત વલસાડ, નવસારી,બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

(8:20 pm IST)