Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

એમ્સ સહિત દિલ્હીની ૧૮ હોસ્પિટલમાં આજે પણ હડતાળ

દિલ્હી મુંબઇ સહિત તમામ શહેરોમાં મોટી હોસ્પિટલ પર પડી માઠી અસરઃ ૧૭મીએ દેશવ્યાપી હડતાળ

 નવી દિલ્હી, તા.૧૫: પશ્ચિમ બંગાળમાં બે જૂનિયર ડોકટર્સ પર થયેલા હિંસક હુમલા બાદ છંછેડાયેલું આંદોલન સતત ભડકી રહ્યું છે. શુક્રવારથી બંગાળ સિવાયના રાજયોના ડોકટર્સે પણ આ મામલાને સમર્થન આપ્યું છે. દિલ્હી, મુંબઈ સહિતના તમામ શહેરોમાં મોટી-મોટી હોસ્પિટલ્સ પર આની માઠી અસર પડી છે. બંગાળમાં અત્યારસુધીમાં ૭૦૦ જેટલા ડોકટર્સ પોતાનું રાજીનામું આપી ચૂકયા છે, જેમાં કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલમાંથી ૧૭૫થી વધુ ડોકટર્સે સામૂહિક રૂપે રાજીનામા આપ્યા છે.ઙ્ગ

ઈંડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ ૧૪ જૂનથી ત્રણ દિવસ સુધી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યાની સાથે ૧૭ ઙ્ગજૂને દેશભરમાં ડોકટર્સને હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે. આઈએમએ હોસ્પિટલમાં ડોકટર્સ પર થતી હિંસાની તપાસ કરવા માટે એક કાયદો બનાવવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે કે આ કાયદનો ભંગ કરનાર વ્યકિતને ઓછામાં ઓછા સાત વર્ષની જેલ થવી જોઈએ તેવી કોઈ જોગવાઈ થવી જોઈએ.ઙ્ગ

કોલકાતાની એક હોસ્પિટલમાં બે ડોકટરો પર હુમલાના મામલે જુનિયર ડોકટરોએ પાડેલી હડતાળનો વ્યાપ સમગ્ર દેશમાં ફેલાયો છે. હવે વિવિધ રાજયોના સરકારી ડોકટરોએ તેમની સાથે એકતા દર્શાવીને પ્રદર્શનોમાં જોડાયા છે. ડોકટરોની હડતાળને કારણે પશ્યિમ બંગાળમાં ચાર દિવસથી આરોગ્યની સેવાઓ ખોરવાઇ ગઇ છે.ઙ્ગ

રવિવારે રાત્રે કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતેના ડોકટરો પર એક દરદીના સગાવાળાઓએ હુમલો કરતાં વિરોધ પ્રદર્શનો કરતા હતા. ડોકટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની બિનશરતી માફીની માગણી કરી છે અને છ શરતો રાખી છે. ડોકટરોએ તેમના પર હુમલાથી બચવા માટે વધુ આકરા કાયદાની માગણી કરી છે.ઙ્ગ

દિલ્હીમાં કેટલાક સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોકટરોએ કામનો બહિષ્કાર કરીને પ્રદર્શનો યોજયા હતા, કૂચ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હીની એમ્સના ડોકટર્સના એસોસિએશને પણ મમતા સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો બે દિવસમાં પશ્ચિમ બંગાળ સરકાર જો ડોકટર્સની માગનો સ્વિકાર નહીં કરે તો એમ્સમાં પણ અનિશ્યિત સમય માટે હડતાળ પાડવાની ચીમકી આપી છે.

(1:10 pm IST)