Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

દિગ્વિજયના વિજયની ભવિષ્યવાણી કરનાર વૈરાગ્યાનંદ હવે સમાધિ લેશે

ભોપાલ બેઠકથી કોંગ્રેસના દિગ્વિજયસિંહનો પરાજય થયો હતોઃ સમાધિ માટે વૈરાગ્યાનંદ ગિરીએ જિલ્લા અધિકારી પાસે મંજૂરી માંગી

નવી દિલ્હી, તા.૧પઃ લોકસભા ચૂંટણીમાં ભોપાલ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહની જીતની ભવિષ્યવાણી ખોટી સાબિત થતાં વૈરાગ્યાનંદ ગિરીએ ૧૬ના જૂને હવન-કુંડમાં બ્રહ્મ લીન સમાધિ લેવાની જાહેરાત કરી છે.

આ માટે વૈરાગ્યાનંદ ગિરીએ જિલ્લા અધિકારીને એક અરજી આપીને નિર્ધારિત સ્થાન પર સમાધિ લેવા માટે મંજૂરી માંગી છે.

નિરંજનીય અખાડાના પૂર્વ મહામંડલેશ્વર વૈરાગ્યાનંદે પોતાના વકીલ માજીદ અલીના થકી જિલ્લા અધિકારીને આપેલી અરજીમાં કહ્યું છે કે, કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહની તરફેણમાં પ્રચાર કરતાં, એમની જીતની પ્રાર્થના માટે યજ્ઞ-હવન કર્યો હતો. આ દરમિયાન સંકલ્પ લીધો હતો કે જો આ ચૂંટણીમાં દિગ્વિજયસિંહ હારી જશે તો હવનકુંડમાં બ્રહ્મલીન સમાધિ લઈશ.

આ પત્રમાં આગળ લખ્યું છે કે, સાધુ-સંતો સાથે પરામર્શ બાદ વિધિ-વિધાનથી ૧૬ જૂને બપોરે ૨-૧૧ મિનિટે બ્રહ્મલીન સમાધિ લેવાનો નિશ્યય કર્યો છે, જેથી સંકલ્પ પૂરો કરી શકું. વૈરાગ્યાનંદે જિલ્લા અધિકારીને સમાધિ માટે સ્થાન નિર્ધારિત કરીને મંજૂરી આપવા વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈરાગ્યાનંદ ગિરીએ મે મહિનામાં દિગ્વિજયસિંહને ચૂંટણી જીતાડવા માટે ભોપાલમાં યજ્ઞ કર્યો હતો. એ વખતે ઉપરોકત પ્રતિજ્ઞા લીધી હતી. અને હવે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અધિકારીની મંજૂરી માંગી છે. કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહનો ભાજપના સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે પરાજય થયો હતો.(૨૩.૬)

(11:52 am IST)