Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાલે અખંડ સૌભાગ્ય માટેનું વ્રત.. વટ સાવિત્રી પૂર્ણિમા

સોમવારે બપોર સુધી પૂનમ, પણ તિથિ-સંયોગને આધીન વ્રતની ઉજવણી રવિવારેઃ ગુજરાતી સમુદાયમાં વ્રતનું અનેરું મહત્ત્વ, વડની પૂજા અર્ચના કરાશે

નવીદિલ્હી, તા.૧૫: ગુજરાતી સમુદાયમાં વટસાવિત્રી વ્રતનું અનેરું મહત્ત્વ આંકવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમના રોજ આવતા વટસાવિત્રી વ્રત દરમિયાન સૌભાગ્યવતીઓ પતિના દીઘાર્યુ માટે ઉપવાસ કરે છે. ગુજરાતી મહિલાઓ સામાન્યપણે એક ફળ આરોગીને આખા દિવસનો ઉપવાસ કરતી હોય છે. ઉત્ત્।ર ભારતીય સમુદાયમાં કડવા ચોથનું મહત્ત્વ હોવાની સરખામણીએ ગુજરાતી મહિલાઓ આ અતિ મહત્ત્વ ધરાવતું વટસાવિત્રીનું વ્રત કરે છે. આવતી કાલે રવિવારે મહિલાઓ વટસાવિત્રી વ્રત કરવાની સાથે જ શહેરમાં ઠેરઠેર વડની પૂજા-અર્ચના દૃશ્યો જોવા મળશે.

દાયકાઓથી ચાલી આવતી લોકવાયકાને આધારે દર વર્ષે મહિલાઓ વટસાવિત્રી વ્રત કરે છે. દરમિયાન સવારે પતિદેવની પૂજા-અર્ચના બાદ વડની પૂજા કરવાનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે. ચાલુ વર્ષે સોમવારે બપોર સુધી જેઠ સુદ પૂનમ છે, પરંતુ તિથિ-સંયોગને આધીન સૌભાગ્યવતીઓ રવિવારે વટસાવિત્રીનું વ્રત કરશે. શાસ્ત્રી ડો.કર્દમ દવેએ જણાવ્યું હતું કે, આ વર્ષે વટસાવિત્રી પૂનમ સોમવારે બપોરે ૨.૦૧ વાગ્યા સુધી છે. વટસાવિત્રી પૂજા ફકત ચૌદશના દિવસે આવેલી છે. વટસાવિત્રીના દિવસે બપોરે ૨.૦૨ વાગ્યા સુધી ચૌદશ છે, પરંતુ બપોરે ૨.૦૨થી સૂર્યાસ્ત સુધીના સમયમાં સૂર્યાસ્તથી ૬ ઘડી પહેલાનો સમય પૂનમ હોવાથી તે દિવસે પૂનમ-વ્રતની પૂનમ અને વટસાવિત્રી પૂજા કરવાની ધર્મસિંદ્યુ ગ્રંથની ગણતરી છે. તેને જોતાં આ જ દિવસે એટલે કે રવિવારે ૧૬ જૂનના રોજ પૂજન-અર્ચન અને વ્રતની પૂનમ કરવાનું રહેશે. શહેરના મંદિરોમાં પણ વ્રતના પૂનમને લઇને જાહેરાત કરી દેવાઇ છે. જેને આધીન રવિવારે સૌભાગ્યવતીઓએ વ્રત અને સોમવારે સવારે પારણાં કરવાના રહેશે.

લોકમાન્યતા મુજબ, માતા સાવિત્રીએ યમરાજના ફંદામાંથી પોતાના પતિના પ્રાણની રક્ષા કરી હતી. યમરાજ જયારે સત્યવાનના પ્રાણ લઇ જવા લાગ્યા ત્યારે માતા સાવિત્રી તેમની પાછળ ગયા હતા. સાવિત્રીની જીદ જોતા યમરાજે તેને વરદાન માંગવાનું કહ્યું હતું. દરમિયાન સાવિત્રિએ સો પુત્ર થાય એવું વરદાન માંગ્યુ. યમરાજે વરદાન આપી દીધંુ, પરંતુ બાદમાં સાવિત્રીએ ખુદ પતિવ્રતા હોવાનું કહીને પતિ વિના પુત્ર કેમ પ્રાપ્ત કરીશ એ પ્રશ્ન પૂછયો. અંતે યમરાજને પોતાની ભૂલ સમજાઇ અને સત્યવાનના પ્રાણ પાછા આપવા પડયા. સાવિત્રી પતિના પ્રાણ પાછા લાવવા યમરાજ પાછળ જતા હતા ત્યારે પતિનું શબ વડની પાસે મૂકીને વડને તેની રક્ષા કરવાનું કહ્યું હતું. પ્રાણ પાછા આવ્યા બાદ સાવિત્રીએ ૧૬ શણગાર કરીને વડની પૂજા કરી. તે દિવસથી વડની પૂજા કરીને પ્રદક્ષિણા કરવાની પરંપરા ચાલી આવે છે.

(11:50 am IST)