Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

નિષ્ણાતોની નાણાપ્રધાનને સલાહ

મિઠાઇ, નમકીન અને સોફટ ડ્રીંકસ પર ટેક્ષ વધારો

નવી દિલ્હી, તા. ૧પ : સરકારને બજેટમાં મિઠાઇ, નમકીન અને સોડાયુકત પીણાઓ પર ટેક્ષ વધારવાના સુચનો પણ મળ્યા છે. સામાજીક ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ કહ્યું છે કે આ ઉત્પાદનો પર વધારે ટેક્ષ લઇને શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષાનું બજેટ વધારવું જોઇએ. બજેટ પહેલા મીટીંગ દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણને નિષ્ણાતોએ આ સૂચનો અપાયા હતા. નિષ્ણાતોએ નાણાપ્રધાનને મીઠી અને નમકીન વસ્તુઓ ઉંચા દર લગાડીને ચિકિત્સા ઉપકરણો પર કરના દર ઘટાડવાનું સુચન આપ્યું હતું. સાથે જ આરોગ્ય સેવાના માળખા માટે વિશેષ ફંડ, દવાઓની સાથે સાથે તપાસની સેવાઓ પણ મફત કરવાનું પણ સૂચન અપાયું હતું.

સીતારમણે કહ્યું કે હાલની સરકાર શૈક્ષણિક માપદંડોમાં સુધારાઓ કરવા, યુવાનોનું કૌશલ્ય વધારીને રોજગારી વધારવા બિમારીનો બોજ ઘટાડવા અને માનવ વિકાસમાં સુધારાઓ કરવા કટિબદ્ધ છે.

ઘણા દેશોમાં છે સોડા ટેક્ષ

અમેરિકાના શહેર કેલિફોર્નિયાની સાથે સાથે ચીલી, કોલંબીયા, ડેન્માર્ક, ફ્રાંસ, હંગેરી, મેકિસકો, નોર્વે, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, સંયુકત આરબ અમિરાત જેવા ર૦થી વધારે દેશોમાં સોડા ડ્રીંકસ અને ફાસ્ટફુડ પર પ૦ ટકાથી પણ વધારે ટેક્ષ છે. ઘણા દેશોમાં આ ટેક્ષમાંથી આવતી રકમને અલગ રાખીને આરોગ્ય અને સામાજીક સુરક્ષાના કાર્યોમાં વાપરવામાં આવે છે.

ડાયરેકટ ટેક્ષ સંહિતા લાવો જેથી જીએસટી સરળ બને

અર્થશાસ્ત્રીઓએ સરકારને બજેટમાં જીએસટી સરળ બનાવવા, ડાયરેકટ ટેક્ષ સંહિતા લાગુ કરવા અને રોજગારીનું સર્જન કરનારા ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે બજેટ એવું હોવું જોઇએ જેમાં આગામી પાંચ વર્ષની રૂપરેખા જોવા મળે. તેમણે મેક ઇન ઇન્ડીયા હેઠળ વિ. નિર્માણ પ્રોત્સાહનની સાથે રોજગાર સર્જનની પણ માંગણી કરી.

(11:49 am IST)