Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભાજપા બનાવશે દરેક બૂથ પર ૨૫ નવા સભ્યો

૧૬ થી ૩૧ ઓગસ્ટ સક્રિય સદસ્યતા અભિયાન નબળા બૂથો પર અપાશે વધારે ધ્યાન

નવી દિલ્હી તા.૧૫: ભાજપાનું રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન ૬ જુલાઇથી ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમ્યાન પણ દસ રાજયોમાં પોતાની હાલની સભ્ય સંખ્યામાં વધારેમાં વધારે વૃધ્ધિ કરવાની કોશિષ કરશે. પક્ષે દરેક બૂથ પર ઓછામાં ઓછો ૨૫ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે.સદસ્યતા અભિયાન મીસ્ડ કોલથી થશે પણ દરેક બૂથ કાર્યકરો મિસકોલ કરનારનો સંપર્ક કરીને સભ્યપદનું ફોર્મ ભરાવીને વેરીફીકેશન પણ કરશે. ભાજપાના સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય પ્રમુખ અને પક્ષના ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણે સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ બહાર પાડતા કહ્યું છે કે જે રીતે સરકારનો મુળ મંત્ર ''સબકા સાથ, સબકા વિકાસ'' છે એજ રીતે સંગઠનનો મુળ મંત્ર ''સર્વસ્પર્શી ભાજપા, સર્વ વ્યાપી ભાજપા'' છે.

ભાજપાએ આ લોકસભા ચુંટણીમાં ૨૨૦ બેઠકો પર ૫૦ ટકાથી વધારે મત મેળવ્યા છે. પક્ષનો પ્રયત્ન આગામી લોકસભા ચુંટણીમાં દરેક જગ્યાએ ૫૦ ટકાથી વધારે મત મેળવીને જીતવાનો છે.

શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ચુંટણી પછી પક્ષનોવ્યાપ વધારવા માટે સંગઠન પર્વની શરૂઆત સદસ્યતા અભિયાનથી થઇ રહી છે. જનસંઘના સ્થાપક ડોકટર રયામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસ ૬ જુલાઇથી આ અભિયાન શરૂ થસે, જે દસ ઓગસ્ટ સુધી ચાલશે. જો કે આ પછી પણ ૩૧ જાન્યુઆરી સુધી પણ સભ્ય બનાવી શકાશે. સક્રિય સભ્યપદ અભિયાન ૧૬ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે.

લોકસભા ચુંટણીમાં જે બૂથો નબળા રહી ગયા હતા. ત્યાં સભ્ય સંખ્યા વધારીને પક્ષને મજબૂત બનાવવામાં આવશે પક્ષના અત્યારે ૧૧ કરોડ સભ્યો છે. પક્ષના બંધારણ અનુસાર તેમાં ૨૦ ટકાનો વધારો કરીને ૨ કરોડ વીસ લાખ નવા સભ્યોનો વધારો કરવાનો છે.

(11:46 am IST)