Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ડોકટરોની મારપીટ કરશો તો થશે ૧૨ વર્ષની જેલ

ડોકટરોની સુરક્ષાને લઇને સરકાર થઇ ગંભીરઃ કાયદાને બીન જામીન લાયક બનાવવા વિચાર : કડક કાયદો બનશે

નવી દિલ્હી તા.૧૫: ડોકટરોની સુરક્ષા બાબતે મોટી રાહતના સકેતે કેન્દ્ર સરકાર તરફથી મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર રાજય સરકારો સાથે વિચારણા કરીને ડોકટરોની સુરક્ષા માટે બહુ જલ્દી કાયદો લાવી શકે છે જેના હેઠળ ડોકટર સાથે મારપીટ અથવા હુમલો કરવાની ઘટના ગંભીર ગુનાની શ્રેણીમાં આવી શકે છે. સાથે જ ગુન્હેગારોને ઓછામાં ઓછી ૧૨ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ પણ રાખી શકાય છે. આ ઉપરાંત આ કાયદાને બિનજામીનપાત્ર બનાવવા અંગે પણ વિચારણા થઇ રહી છે.ઙ્ગપશ્ચિમ બંગાળમાં ડોકટરો પર થયેલા હુમલા પછી દેશવ્યાપી હડતાલ થવાથી કેન્દ્ર સરકારે તેમને તાત્કાલિક સુરક્ષા આપવા માટે વિચારણા ચાલુ કરી દીધી છે. જણાવાઇ રહ્યું છે કે આગામી દિવસોમાં આરોગ્ય પ્રધાન બધી રાજય સરકારો સાથે મિટીગ કરશે. આ મીટીંગમાં ડોકટરોની સુરક્ષા માટે કડક કાયદા ઉપરાંત કિલનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટમાં ફેરફાર પણ થઇ શકે છે.

મંત્રાલયના સુત્રોનું માનીએ તો ગઇકાલે દિલ્હી એમ્સ સહિત ડોકટરોના બધા પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત પછી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોકટર હર્ષવર્ધન પણ ડોકટરો પર થઇ રહેલા હુમલાનો વિરોધ કર્યો છે. તેમણે મંત્રાલયના અધિકારીઓને તાત્કાલિક આ અંગેના કાયદા પર વિસ્તૃત ચર્ચા કરવા પણ કહ્યું છે.

સુત્રોએ ત્યાં સુધી કહ્યું કે બધી રાજય સરકારો સાથે મળીને એક એવો કાયદો લાગુ કરવા પર વિચારવામાં આવશે જેમાં ડોકટરો પર હુમલો કરનાર વિરૂધ્ધ ફકત તાત્કાલિક કાર્યવાહી જ ન થાય પણ તેને ઓછામાં ઓછી ૧૨ વર્ષની બિનજામીન પાત્ર સજાની પણ જોગવાઇ હોય. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય રાજયોમાંથી પ્રસ્તાવ મળ્યા પછી જ થઇ શકશે.(૧.૩)

 

(11:45 am IST)