Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

GST: માસિક રિટર્નની પળોજણમાંથી મુકિત મળશે

માર્ચ ૨૦૨૦ પછી ફકત ટેકસ જ ભરવો પડશે તેવી સુવિધા માટે વિચારણા : દર ત્રણ મહિને રિટર્ન ભરવા માટેના નવા ફોર્મ ૧ જુલાઇએ ટર્જી વિભાગ બહાર પાડશે

મુંબઇ, તા.૧૫: વેપારીઓએ દર મહિને ભરવાના થતા જીએસટીઆર ૧ અને ૩બી રિટર્નના ફોર્મ ભરવામાંથી મુકિત આપવા માટેની કાર્યવાહી જીએસટી વિભાગે શરૂ કરી છે. તેમાં દર મહિને વેપારીએ ફકત ટેકસ જ ભરવો પડશે તેમાં ફકત ખરીદ વેચાણના આંકડા જ રજુ કરવા પડશે. જયારે અન્ય વિગતો દર મહિનાના બદલે ત્રણ મહિને ભરપાઇ કરવાની રહેશે.

જીએસટી સરળીકરણ માટેની વાતો વચ્ચે ૨૨ મહિના બાદ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમાં આગામી જુલાઇ માસથી જીએસટીઆર ૧ અને ૩બી માટેના સુગમ અને સહજ ફોર્મ બહાર પાડવામાં આવશે. આ ફોર્મનું અમલીકરણ ઓકટોબર માસથી કરવામાં આવે તેવી શકયતા સેવવામાં આવી રહી છે. જયારે માર્ચ ૨૦૨૦ પછી જીએસટીમાં દર મહિને ભરવાના થતા રિટર્નમાંથી વેપારીઓને કાયમી મુકિત મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે વેપારીએ દર મહિને રિટર્ન ભરવાને બદલે સમગ્ર મહિના દરમિયાન ખરીદ અને વેચાણના આંકડા જ ફકત ફોર્મમાં ભરવાના રહેશે. તે ફોર્મમાં આંકડા ભરવાની સાથે વેપારીઓએ ભરપાઇ કરવાના ટેકસની પણ ઓનલાઇન જ ગણતરી કરી દેવામાં આવશે તે પ્રમાણેની નવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જયારે જીએસટીઆર ૧ અને ૩બી રિટર્નને માર્ચ ૨૦૨૦ બાદ બંધ કરીને એનેકસર ૧ અને ૨ જીએસટીઆર ૧ના સ્થાને લાવવામાં આવશે. આ માટેની શરૂઆત આગામી જુલાઇ માસથી કરવામાં આવશે. જોકે તેનુ અમલીકરણ ઓકટોબરથી ફરજીયાત કરવામાં આવશે. તેથી વેપારીઓ ચાર મહિના દરમિયાન નવા બહાર પાડવામાં આવેલા ફોર્મ અંગેની તમામ જાણકારી મેળવી શકે અને તેને ભરવામાં પણ સરળતા રહે તે પ્રમાણેની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.(૨૧.૫)

 

(11:44 am IST)