Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અકસ્માત થાય તો વાહનના જુના માલિકની પણ જવાબદારી

જુનું વાહન ખરીદો તો ૧૪ દિવસમાં વિમો ટ્રાન્સફર કરાવો

નવી દિલ્હી તા. ૧પ :.. જયારે તમે કોઇ જુનુ વાહન ખરીદો તો ૧૪ દિવસમાં વીમાને પણ ટ્રાન્સફર કરાવી લો. આપણે આરસી બુક તો ટ્રાન્સફર કરાવી લઇએ છીએ પણ વિમો ભુલી જતા હોય છે. આવું થાય ત્યારે લેનાર અને વેચનાર બન્ને મુશ્કેલીમાં આવી શકે છે. વીમા કંપનીઓ પાસે એવા કલેઇમ આવે છે, જેમાં કોઇ બીજા પાસેથી વાહન ખરીદનારે વિમા પોલીસી પોતાના નામે ટ્રાન્સફર કર્યા વગર કલેમનો દાવો કર્યો હોય. આવા કેસમાં દાવો રદ થઇ જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે વાહન વેચનાર અને લેનાર બન્નેની જવાબદારી છે.

જુનુ વાહન ખરીદનારે ખરીદીના ૧૪ દિવસમાં વિમા કંપનીને અરજી કરીને પોલીસી પોતાના નામે કરાવી લેવી જોઇએ. વીમાનો ફકત થર્ડ પાર્ટી વિમો જ આ સમયમાં માન્ય છે. ઓન ડેમેજ એટલે કે વાહનને નુકસાન માટે પોલીસી ટ્રાન્સફર કરાવવી જરૂર છે.  આ સમય ગાળામાં જો નામ ટ્રાન્સફર ન કરાય તો કંપની કોઇ પણ નુકસાન ( ન તો થર્ડ પાર્ટી અથવા ન ઓન ડેમેજ) માટે જવાબદાર નથી. જો નામ ટ્રાન્સફર ન થયું હોય અને ૧૪ દિવસ પછી કોઇ અકસ્માત થાય જેમાં થર્ડ પાર્ટીને નુકસાન થયું હોય તો વાહનના પહેલા માલિકે પણ વળતર ચુકવવું પડી શકે છે.

પોલીસી ઝડપથી ટ્રાન્સફર કરાવવા માટે આરસી ટ્રાન્સફર પ્રમાણ પત્ર અને નવું પ્રપોઝલ ફોર્મની સાથે વાહન માલિક અને ખરીદનાર તરફથી ફોર્મ ર૯ અને ૩૦, ટ્રાન્સફર ફી અને પોલીસીની ઓરીજીનલ કોપી વિમા કંપનીને તરત જ પહોંચાડવી જોઇએ. વિમા કંપની પછી આ પોલીસી ટ્રાન્ફસરને મંજૂરી આપે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે કોઇ ખાનગી વાહનનો કોઇ ધંધા માટે ઉપયોગ કરતા હો અને આવા કામકાજ દરમ્યાન કોઇ અકસ્માત થઇ જાય તો પણ વિમા કંપની કલેમ આપવાની ના પાડી શકે છે. વિમા પોલીસી વાહન માલિકના નામે રજીસ્ટર્ડ હોય તો પણ વાહન માલિક ને કલેમ નહીં મળે.

(11:40 am IST)