Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બંગાળમાં રહેવા માટે બંગાળી ભાષા જરૂરી : મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફતવો

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લા કાર્ડ રમતા વિવાદ : બહારના લોકોના બહાનાથી ભાજપ પર મમતા બેનર્જીના પ્રહારો : બંગાળને ગુજરાત બનવા દેવાશે નહીેં : મુખ્યમંત્રી

કોલકાતા, તા. ૧૪ : તબીબોની હડતાળથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વિપક્ષી દળો ઉપર આકરા પ્રહાર કરતા બાંગ્લા કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો હતો. બહારના લોકોના બહાને ભાજપ ઉપર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જો તમે બંગાળમાં છોતો બંગાળી ભાષા બોલવી પડશે. તેમણે કહ્યું હતું કે, તેઓ તેવા અપરાધીઓને ચલાવી લેશે નહીં જે બંગાળમાં રહે છે અને બાઈક ઉપર ફરતા રહે છે. મમતાએ કહ્યું હતું કે, તેઓ બંગાળને ગુજરાત બનવાની તક આપશે નહીં. ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં તૃણમુલ કોંગ્રેસની રેલીને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમને બાંગ્લાને આગળ લાવવાની જરૂર છે જ્યારે તેઓ બિહાર, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં જાય છે ત્યારે ત્યાની ભાષામાં વાત કરે છે. જો તમે બંગાળમાં રહો છો તો આપને બાંગ્લા ભાષા બોલવાની જરૂર હોય છે. ભાજપ ઉપર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તબીબોની હડતાળને લઇને ભાજપ અને ડાબેરીઓ ઉપર પ્રહાર કરતા મમતાએ કહ્યું હતું કે, વિપક્ષી દળો તબીબોને ઉશ્કેરી રહ્યા છે અને આ મામલાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તબીબોની હડતાળને લઇને મમતા બેનર્જી ઉપર પ્રહારો કર્યા છે. કૈલાશ વિજય વર્ગીય દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, મમતા બેનર્જી રાજ્યના આરોગ્યમંત્રી તરીકે પણ છે. તેમના અહંકારના લીધે છેલ્લા ચાર દિવસના ગાળામાં કેટલાક લોકો મોતના દરવાજા સુધી પહોંચી ગયા છે. તબીબોની હડતાળના કારણે દર્દીઓની હાલત કફોડી બનેલી છે. કોલકાતા હાઈકોર્ટે પણ મમતા બેનર્જીની જોરદાર ઝાટકણી કાઢી છે. આગામી દિવસોમાં મમતાને જોરદાર જવાબ આપવાની ફરજ પડશે.

(12:00 am IST)