Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

તબીબોના મામલાને હજુ કેમ ઉકેલાયો નથી : કોર્ટનો પ્રશ્ન

કોલકાતા હાઈકોર્ટની મમતા બેનર્જીને ફટકાર : એક સપ્તાહમાં તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે હુકમ

નવીદિલ્હી, તા. ૧૪ : દેશના જુદા જુદા ભાગોમાં તબીબોની હડતાળના કારણે એકબાજુ દર્દીઓ બેહાલ રહ્યા હતા ત્યારે બીજી બાજુ કોલકાતા હાઈકોર્ટે સમગ્ર મામલામાં મમતા બેનર્જી સરકારને આજે જોરદાર ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, તબીબો સાથે વાતચીત કરીને વિવાદને ઉકેલવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત હાઈકોર્ટે મમતા બેનર્જીને ફટકાર લગાવતા પ્રશ્ન કર્યો છે કે, આખરે તેમની સરકારે હજુ સુધી તબીબોની સુરક્ષા માટે કયા પગલા લીધા છે. પશ્ચિમ બંગાળ સરકારને કોર્ટના સવાલોના જવાબ આપવા માટે એક સપ્તાહની મહેતલ આપવામાં આવી છે. હડતાળ ઉપર ઉતરેલા તબીબો પોતાની સુરક્ષા માટેની માંગ કરી રહ્યા છે. તબીબોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અપીલને પણ ફગાવી દીધી છે. મમતા બેનર્જીની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. હવે તબીબો દ્વારા તેમની હડતાળને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી દ્વારા હાલમાં જ કરવામાં આવેલા નિવેદનથી દર્દીઓની સાથે સાથે તબીબોમાં નારાજગી ફેલાઈ જતાં તબીબો એકાએક હડતાળ ઉપર ઉતરી ગયા છે જેથી જરૂરી સર્જરીઓ અટવાઈ પડી છે.

(12:00 am IST)