Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ફેસબુકે ચંદીગઢના યુવા એન્જીનીયર ગૌરવને આપ્યું 2 કરોડનું પેકેજ

 

નવી દિલ્હી ભારતીય યુવકો દેશ ઉપરાંત વિદેશમાં પણ પોતાની કાબેલિયતનો ડંકો વગાડી ગૌરવ રહ્યાં છે. ત્યારે ચંદીગઢના યુવા એન્જિનિયર ગૌરવને ફેસબુકે બે કરોડ રુપિયાનું પેકેજ ઓફર કર્યું છે. ઉપરાંત બે અન્ય વિદ્યાર્થીઓને પણ કરોડોની સ્કોલરશિપ ઓફર થઈ છે.

  ચંદિગઢના સેક્ટર -15 સ્થિત ડીએવી સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી 12મું પાસ કરનાર ગૌરવને સોફ્ટવેર ડેવલપર તરીકે નોકરી મળી હતી. 12મું ધોરણ પાસ કર્યા પછી ગૌરવે એનઆઈટી દિલ્હીમાંથી બેચલર ઓફ એન્જિનિયરીંગ (બીટેક)ની ડિગ્રી મેળવી હતી. બીટેક પછી ગૌરવને અનેક કંપનીઓ તરફથી સારી ઓફર મળવા લાગી હતી.

  ગૌરવને પહેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં 16 લાખનું પેકેજ ઓફર થયું હતું. થોડા સમય પછી ગૌરવે 26 લાખના પેકેજ પર બીજી આઈટી કંપની જોઈન કરી હતી. પછી તેણે કોમ્પ્યુટર સાયન્સમાં હાયર સ્ટડી કરવા માટે તે અમેરિકા ગયો હતો અને સ્ટોની બ્રુક યુનિવર્સિટીથી માસ્ટર ઈન કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી હતી.

  નોકરી ઉપરાંત સ્કોલરશિપ મેળવવામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ મેદાન મારી રહ્યાં છે. ચંદિગઢની વિદ્યાર્થી સાન્યાને હન્ટ્સમેન કાર્યક્રમ હેઠળ અમેરિકા સ્થિત ટોપ બિઝનેસ સ્કૂલ વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાંથી ડ્યૂઅલ ડિગ્રી કાર્યક્રમ માટે સવા કરોડની સ્કોલરશિપ મળી છે. સાન્યા હોંગકોંગમાં ગોલ્ડમેન સાક્સ ગૃપના બેંકમાં કામ કરી રહી છે. સાન્યાને 85 હજાર ડોલરનું પેકેજ ઓફર થયું છે.

  સ્ટ્રોબેરી સ્કૂલમાંથી 12માં ધોરણનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી ત્વીશા દીક્ષિતને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાએ 25 હજાર યુએસ ડોલરની સ્કોલરશિપ ઓફર કરી છે. ત્વીશા યુનિવર્સિટીમાંથી જર્નલિઝમનો કોર્સ કરશે. ત્વીશાએ 12મામાં 96 ટકા મેળવ્યાં હતાં. ત્વીશાને આ પહેલા પણ હાયર એજ્યુકેશન માટે અનેક યુનિવર્સિટીએ સ્કોલરશિપ ઓફર કરી છે.

(11:40 pm IST)