Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યાઃ પાકિસ્‍તાની આતંકવાદીઓએ એક વર્ષ પહેલા ખુનની ધમકી આપ્‍યા બાદ તેમને એક્સ કેટેગરીને સુરક્ષા અપાતી હતીઃ હત્યા કરનાર બાઇકસવારોની શોધખોળ

જમ્‍મુ-કાશ્મીરઃ પત્રકાર શુજાત બુખારીની અંતિમ યાત્રામાં પરિવાર સાથે હજારો લોકો જોડાયા છે. આખુ વાતાવરણ ગમગીન બની ગયું છે. વરસતા વરસાદમાં પણ લોકો યાત્રામાં જોડાયા છે. તેમના મોતના બીજા દિવસે પણ તેમનું છાપુ રાઇઝિંગ કાશ્મીર આજે છપાયું છે. જેમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ઓમર અબ્દુલાએ તેમની આ ભાવનાને બિરદાવતા એક ટ્વિટ કરીને કહ્યું છે ,'શો મસ્ટ ગો ઓન.'

જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરૂવારે રાતે કેટલીક તસવીરો જારી કરી છે. આ તસવીરો એ લોકોની છે જેની પર રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યા કરવાની શંકા છે. આ લોકો બાઇક પર સવાર દેખાઇ રહ્યાં છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ તસવીરો જારી કરી છે. પોલીસને શક છે કે આ બાઇક સવારોએ વરિષ્ઠ પત્રકાર બુખારીની હત્યા કરી છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે તેઓ આ તસવીરમાં દેખાતા શંકાશીલ વ્યક્તિઓને શોધવામાં મદદ કરે. પોલીસને આ લોકો પર એટલા માટે શક છે કારણ કે તેમણે પોતાના ચહેરા છુપાવી રાખ્યા છે.

જાણીતા પત્રકાર શુજાત બુખારીની ગુરૂવારે ગોળી મારીને હત્યા કરી દીધી છે. શુજાત પર બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ આ હુમલો સાંજે સાડા સાત વાગ્યે શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કર્યો હતો. આ હુમલામાં શુજાત બુખારી અને તેમના એક ખાનગી સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે શુજાત બુખારીને પાકિસ્તાની આતંકીઓએ એક વર્ષ પહેલા જાનથી મારવાની ધમકી આપી હતી. જે પછી તેમને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

સૂત્રો પ્રમાણે જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે કહ્યું છે કે બાઇક સવાર ચાર હુમલાખોરોએ સાંજે લગભગ 7.15 કલાકે ફાયરિંગ કરી હતી. જે પછી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતાં.

(5:43 pm IST)