Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે મહામંથનઃ નરેન્દ્રભાઇ મોદીએ આરએસએસ અને ભાજપના નેતાઓને ડીનર માટે આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આરએસએસ અને ભાજપના નેતાઓને ડીનર માટે બોલાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી તેમજ ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતે થનાર ચૂંટણીને લઇને મહામંથન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય સ્વયં સેવક અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતાઓને ડીનર માટે આમંત્રણ આપ્યું છે. એક અહેવાલ મુજબ આમ તો આ નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આ રૂટીન બેઠક છે અને પીએમ મોદી દર વર્ષે આ દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરતાં હોય છે.

ગુરૂવારથી ભાજપા અને આરએસએસ તેમજ તેમના વિવિધ સંગઠનોના વરિષ્ઠ પદાધિકારીઓની બેઠક હરિયાણાના સૂરજકુંડ ખાતે શરૂ થઇ ગઇ છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. મિશન લોકસભા 2019ની રણનીતિ તૈયાર કરવાની દ્રષ્ટિએ આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. સૂત્રોની જાણકારી મુજબ બેઠકની અનૌપચારિક શરૂઆત થઇ ગઇ છે.

સૂત્રોની જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત વર્ષે પણ આ પ્રકારના ડીનરનું આયોજન કર્યું હતું. આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ખાસ કરીને છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યું છે. ભાજપાને આ બંને રાજ્યોમાં સત્તા ટકાવી રાખવા આરએસએસની મદદ લેવી પડે તેવું સૂત્રોનુ માનવું છે.

(5:40 pm IST)