Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જમ્‍મુ-કાશ્મીરમાં પથ્થરબાજો દ્વારા ફરી એક વાર સીઆરપીએફના જવાનોને જાનથી મારી નાખવાનો પ્રયાસઃ જવાનોની બસ આગળથી કાર ચાલક ન હટતા મામલો બીચક્યોઃ લાઇનમાં ઉભેલા લોકોએ સતત પથ્થરમારો કર્યો

નવી દિલ્હીઃ જમ્‍મુ-કાશ્મીરમાં સીઆરપીએફના જવાનોને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. જો કે, સીઆરપીએફના જવાનોએ સમજદારીથી અને ધૈર્યથી કામ લીધુ જેના કારણે પથ્થરબાજો પોતાના નાપાક ઈરાદાઓ પાર પાડી શક્યા નહીં. હકીકતમાં આ મામલો જમ્મુ અને કાશ્મીરના બનિયાલનો છે. ગુરુવારે સીઆરપીએફના વાહનોનો કાફલો જમ્મુ માટે જઈ રહ્યો હતો. જેવો આ કાફલો બનિહાલ માર્કેટ ઘૂસ્યો કે એક કાર ખુબ જ ધીમી ગતિએ કારની આગળ ચાલવા લાગી.

સૂત્રોના જણાવ્યાં મુજબ સીઆરપીએફની બસના ડ્રાઈવરે હોર્ન વગાડીને કારચાલકને સામેથી હટવાનો ઈશારો કર્યો. પરંતુ કાર ચાલક સતત સીઆરપીએફની બસના હોર્નને નજરઅંદાજ કરતો રહ્યો. ત્યારે જ ડ્રાઈવરની નજર બજારની બાજુ ઊભેલા લોકો પર ગઈ. તેણે જોયુ કે બજારની બંને બાજુ લોકો લાઈનમાં ઊભા છે. લાઈનમાં ઊભેલા લોકોએ પોતાના હાથ પાછળ બાંધી રાખ્યા છે. ડ્રાઈવરને અંદાજો આવી ગયો કે કઈક ખતરનાક થવાનું છે. તેણે તાબડતોબ બસમાં હાજર જવાનોને કહ્યું કે કઈ પણ થાય કોઈ બસની બહાર જશે નહીં.

ખતરો જોતા સીઆરપીએફના ડ્રાઈવરે ઘટનાસ્થળેથી બસને કાઢવાની કોશિશ કરી. આ કોશિશમાં બસનો એક ભાગ કારને અડી ગયો અને ત્યારબાદ કારમાં સવાર ચાર પાંચ લોકો બહાર આવી ગયાં. તથા સીઆરપીએફની બસના ડ્રાઈવરને ગાળો બોલવા લાગ્યાં. બધા વારંવાર ડ્રાઈવરને બસમાંથી બહાર આવવા માટે લલકારી રહ્યાં હતાં. ડ્રાઈવર પહેલેથી જ તેમની ચાલાકી જોઈ ગયો હતો અને કાર સવાર યુવક આ કોશિશમાં નિષ્ફળ ગયા તો તેમણે બૂમો પાડવાનું શરૂ કરી દીધુ કે બસ ડ્રાઈવરે બાળકીને કચડી નાખી.

બસ પછી તો લોકોએ સીઆરપીએફની બસ પર સતત પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ સીઆરપીએફની બસ બનિહાલ માર્કેટમાં જ્યાંથી પસાર થઈ ત્યાં લાઈનમાં ઊભેલા લોકો સતત પથ્થરબાજી કરતા રહ્યાં. બસનો કાફલો જ્યારે બનિહાલ શહેરની બહાર નિકળી ગયો ત્યારે આ પથ્થરમારો બંધ થયો.

(5:36 pm IST)