Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

માયાવતી - કોંગ્રેસની જોડી અખિલેશ માટે માથાનો દુઃખાવો?

મહાગઠબંધનમાં ઓલ ઇઝ નોટ વેલ

લખનૌ તા. ૧૫ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિરૂદ્ધ એકજુથ થઈ રહેલા વિપક્ષમાં અત્‍યારથી જ તિરાડ પડતી નજરે પડી રહી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્‍ચે ઓલ ઈઝ વેલ ના હોવાના સંકેત મળી રહ્યાં છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની ઈફતાર પાર્ટીમાં સમાજવાદી પાર્ટી તરફથી કોઈ જ હાજર ના રહેતા આ બાબતને વેગ મળ્‍યો છે.

શું સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રિય અધ્‍યક્ષ અખિલેશ યાદવને બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતી અને કોંગ્રેસ વચ્‍ચે વધી રહેલી મૈત્રી પસંદ નથી પડી રહી? સવાલ તો એ પણ ઉભા થઈ રહ્યાં છે કે, શું ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અખિલેશ યાદવ ગઠબંધબન અંતર્ગત બેઠકોની ફાળવણીને લઈને દબાણ હેઠળ છે.

ઉત્તર પ્રદેશની ગત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ બંનેને આ ગઠબંધન ફળ્‍યું ન હતું અને કારમો પરાજય વેઠવાનો વારો આવ્‍યો હતો. આ પરાજય માટે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને જવાબદાર માને છે. માટે આ વખતે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને ખાસ મહત્‍વ આપવાના મૂડમાં નથી.

બીજી બાજુ પેટાચૂંટણીમાં મળેલા વિજયને ધ્‍યાનમાં રાખીને સમાજવાદી પાર્ટી કોઈ પણ સંજોગોમાં બસપાનો હાથ છોડવા નથી માંગતી. અખિલેશ યાદવ તો બેઠકોમાં પણ બાંધછોડ કરવા તૈયાર થઈ ગયાં છે.

જયારે બીજી બાજુ બહુજન સમાજ પાર્ટી સતત કોંગ્રેસની નજીક સરકી રહી છે. આ બાબત જ સમાજવાદી પાર્ટી માટે માથાનો દુખાવો બની રહી છે.

(2:52 pm IST)