Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હવે મોદી સરકાર સસ્‍તા ઇલાજની ભેટ આપવાની તૈયારીમાં

‘મેડીકલ ડિવાઇસીઝ'ના ભાવો ઘટાડી રાહત અપાશે : ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ, હોલસેલર્સ, રિટેલર્સ, હોસ્‍પિટલો તરફથી વસુલાતી રકમ ઉપર મૂકાશે લગામ : ૩૦ ટકા ભાવબાંધણુ કરવા હિલચાલ : હાલ આવા ડિવાઇસીઝના ભાવ ઉપર કોઇ નિયંત્રણ નથી

નવી દિલ્‍હી તા. ૧૫ : કેન્‍દ્રની મોદી સરકાર રોજબરોજમાં વપરાતા મેડિકલ ડિવાઈસેઝના ભાવોમાં ઘટાડો કરવાની ભેટ દેશવાસીઓને આપી શકે છે. સરકાર આ ડિવાઈસેઝના ટ્રેડ માર્જિનને ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાની તૈયારી કરી રહી છે. તેનાથી ડિસ્‍ટ્રિબ્‍યૂટર્સ, હોલસેલર્સ, રિટેલર્સ અને હોસ્‍પિટલો તરફથી દર્દીઓ પાસેથી વસુલવામાં આવતા ભાવો પર લગામ તાણશે.

સરકારની થિંક ટેંક નીતિ આયોગે આ સલાહ આપી છે જેથી કરીને મેડિકલ ડિવાઈસેઝ અને સર્વિસેઝ સામાન્‍ય લોકોને પોસાય તેવી બનાવી શકાય. આયોગે એ પણ સલાહ આપી છે કે, આ ડિવાઈસેઝના ટ્રેડ માર્જિનને તાર્કિક સ્‍તર પર લાવવાને લઈને પણ વિચારણા કરવી જોઈએ. જેને અંતર્ગત પહેલા પોઈન્‍ટ ઓફ સેલ પર આ ડિવાઈઝને ૩૦ ટકા માર્જીન આપવાની સલાહ આપવામાં આવી છે.

તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સાથે થયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી. નીતિ આયોગે આ મામલે મેડિકલ ડિવાઈસેઝ મેન્‍યુફેક્‍ચરર્સ અને પબ્‍લિક હેલ્‍થ ગ્રુપ્‍સ ઉપરાંત તમામ સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિ આયોગે અફોર્ટેબલ મેડિસિન્‍સ અને હેલ્‍થ પ્રોડક્‍ટ્‍સની સ્‍ટેડિંગ કમિટીને જણાવ્‍યું છે કે, તેને એક એવી મેડિકલ ડિવાઈસેઝની યાદી તૈયાર કરવી જોઈએ, જેનાથી તેનું માર્જિન મર્યાદીત કરી શકાય અને વધારે પ્રમાણમાં તેનું ઉત્‍પાદન કરી શકાય.

હાલ ભારત તરફથી ૭૫ ટકા મેડિકલ ડિવાઈસેઝ આયાત થાય છે. આ આયાતમાંથી ૮૦ ટકા એવી ડિવાઈઝેસ હોય છે, જેનો જટિલ ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેની કિમતો પણ ખાસી વધારે હોય છે. હાલ દેશમાં મેડિકલ ડિવાઈસેઝની કિંમતો પર સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. કાર્ડિઆક સ્‍ટેંટ, ડ્રગ ઈલુટિંગ સ્‍ટેંટ, કોન્‍ડોમ્‍સ અને ઈંટ્રા યૂટેરિન ડિવાઈસેઝની કિંમતો સંપૂર્ણ રીતે સરકારના નિયંત્રણમાં છે. સરકારે તેમને જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદીમાં શામેલ કરી છે.

આ ઉપરાંત તાજેતરમાં જ ઘૂંટણની સારવાર માટે જરૂરી ડિવાઈસેઝને પણ પ્રાઈસ કંટ્રોલ પોલિસી હેઠળ લાવવામાં આવી છે. આ ઉપરાંત બાકીની ડિવાઈસેઝ પર સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. પરંતુ પીએમઓ સાથે થયેલી બેઠકમાં જાહેર કરવામાં આવેલા એક્‍શન પ્‍લાન અનુંસાર, સલાહ આપવામાં આવી છે કે, દવાઓ, સારવાર અને જરૂરી ડિવાઈસેઝને કિંમત નિયંત્રીણ નીતિ હેઠળ લાવવામાં આવવી જોઈએ. આનાથી તમામ મેડિકલ ડિવાઈસેઝની કિંમતો અને અન્‍ય હેલ્‍થ પ્રોડક્‍ટ્‍સની કિંમતો નિયંત્રીત કરી શકાય.

(2:51 pm IST)