Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

તુલસી પ્રજાપતિ એન્‍કાઉન્‍ટર : ડી.જી.વણઝારા વિરૂધ્‍ધ કચ્‍છના બે પોલીસમેનની મુંબઇ કોર્ટમાં જુબાની

ઇશરત જહાં એન્‍કાઉન્‍ટરમાં વણઝારાએ અમીત શાહ અને નરેન્‍દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા બાદ તુલસી કેસમાં વણઝારા વિરૂધ્‍ધ સીઆઇડી - સીબીઆઇમાં અપાયેલી જુબાની કોર્ટમાં પણ રીપીટ

મુંબઇ તા. ૧૫ : સુપ્રીમ કોર્ટના આદેશથી મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટ સામે ચાલી રહેલા સોહરાબઉદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ કેસમાં મોટા ભાગના સાક્ષીઓ પોતાના નિવેદનને ફેરવી રહ્યા હતા, પરંતુ ગુરૃવારના રોજ મુંબઈ સીબીઆઈ કોર્ટ સામે જુબાની આપવા આવેલા કચ્‍છ પોલીસના બે કોન્‍સ્‍ટેબલ કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ ડી જી વણઝારા સામે જુબાની આપતા કોર્ટમાં હાજર ગુજરાત -રાજસ્‍થાનના પોલીસ અધિકારીઓ ચૌંકી ઉઠયા હતા. આ બંન્ને પોલીસવાળાઓએ અગાઉ ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્‍ચ અને બાદમાં સીબીઆઈને સામે જે નિવેદન આપ્‍યુ હતું તેને જ તેઓ વળગી રહ્યા હતા, તેમણે કોર્ટને કહ્યુ કે તુલસી પ્રજાપતિનું બનાવટી એન્‍કાઉન્‍ટર કરનાર ઈન્‍સપેકટર આશીષ પંડયા રજા ઉપર હોવાને કારણે તેમના ગામ મેઘપર તેમને બોલવવા માટે તેઓ ડી જી વણઝારાના આદેશ પ્રમાણે ગયા હતા.

મુંબઈ કોર્ટમાં જુબાની આપનાર કચ્‍છ પોલીસના હેડ કોન્‍સટેબલ કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ કોર્ટને જણાવ્‍યુ હતું કે ૨૦૦૬માં તેઓ બોર્ડર રેંજના આર આર સેલમાં ફરજ બજાવતા હતા, અને બોર્ડર રેંજ ડીઆઈજી તરીકે ડી જી વણઝારા હતા, વણઝારાએ આ પોલીસવાળાઓને બોલાવી કહ્યુ હતું કે તેમને પાલનપુર એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ સબઈન્‍સપેકટર આશીષ પંડયાનું કામ છે, પણ તેઓ રજા ઉપર પોતાના ગામ ગયો છે તેના કારણે તેમનો ફોન ઉપર સંપર્ક થતો નથી તેથી તેઓ મેઘપર જઈ આશીષને મારી સાથે વાત કરાવે.

કાનજી અને મેઘજીએ કોર્ટને કહ્યું કે તા. ૨૫મી ડીસેમ્‍બર ૨૦૦૬ના રોજ તેઓ ડી જી વણઝારા આદેશ પ્રમાણે આશીષ પંડયાના ગામ મેઘપર ગયા હતા, પણ તેઓ ઘરે ન્‍હોતા તેના કારણે તેમના પરિવારને સુચના આપી આવ્‍યા હતા કે આશીષ પંડયા આવે તો ડી જી વણઝારા સાથે વાત કરવાનું કહેશો. ગુજરાત પોલીસની ચાર્જશીટ અને સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે તા ૨૫મીના રોજ તુલસી પ્રજાપતિને રાજસ્‍થાનની જેલમાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો અને ૨૭મીના રોજ આશીષ પંડયાએ અંબાજી પાસેના છાપડી ગામે બનાવટી એન્‍કાઉન્‍ટરના નામે તુલસી પ્રજાપતિની હત્‍યા કરી નાખી હતી.

આમ લાંબા સમય પછી મુંબઈ કોર્ટ સામે પોતાના નિવેદનને વળગી રહેનાર ગુજરાત પોલીસના બે સાક્ષીઓ હાજર રહ્યા હતા, આ પોલીસવાળાની જુબાની વણઝારાની મુશ્‍કેલી વધારી શકે છે, કારણ વણઝારાએ પોતાને આ કેસમાં ડીસચાર્જ કરવાની અરજી કરી હતી તે મુંબઈ હાઈકોર્ટ સામે પડતર છે ત્‍યારે તુલસીની હત્‍યાના કાવત્રામાં વણઝારા સામેલ હોવાના પુરાવા કોર્ટ સામે આવ્‍યા છે, જો કે અમદાવાદ ઈશત કેસમાં વણઝારા દ્વારા અમીત શાહ અને નરેન્‍દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા બાદ વણઝારા સામે આ સાક્ષીઓ આવ્‍યા તે બાબત સુચક છે.

તુલસી પ્રજાપતિના બનાવટી એન્‍કાઉન્‍ટર કેસના મુખ્‍ય આરોપી અને તુલસી પ્રજાપતિને ગોળી મારનાર આશીષ પંડયા બનાસકાંઠા સ્‍પેશીયલ ઓપરેશન ગુ્રપમાં સબઈન્‍સપેકટર હતા, તુલસીની હત્‍યા કરવામાં આવી તેના થોડા દિવસ પહેલા તેમણે રજા લીધી હતી કારણ તેમની દિકરીની વર્ષગાંઠ તેઓ પોતાના વતન મેઘપરમાં પોતાના પરિવાર સાથે ઉજવવા માગતા હતા, આ દરમિયાન જ ડી જી વણઝારાએ તુલસીના એન્‍કાઉન્‍ટરનો નિર્ણય કર્યો હતો, તેમણે ભુજ આવી તપાસ કરી તો ખબર પડી કે પીએસઆઈ આશીષ પંડયા બહુ ઉસ્‍તાહી છે અને તે આ કામ કરવા તૈયાર થશે, તેના કારણે વણઝારાએ આશીષ પંડયાને રજા ઉપર પરત બોલાવી તુલસીનું કામ તમામ કરાવ્‍યુ હતું. હાલમાં આશીષ પંડયા કચ્‍છમાં પોલીસ ઈન્‍સપેકટર તરીકે ફરજ બજાવે છે, થોડા સમય પહેલા તેમણે પોતાના ફેસબુક ઉપર લખ્‍યુ હતું કે કેસ લડવા માટે પોતાની જમીન વેચવા માગે છે.

આ કેસમાંથી પોતાને દુર રાખવાનો પ્રયાસ કરનાર બનાસકાંઠાના એસપી વિપુલ અગ્રવાલ સામે પણ કેટલાંક પુરાવા છે, તુલસી પ્રજાપતિને પોતાના કાર્યક્ષેત્રમાં મારી નાખવાનો નિર્ણય લીધો ત્‍યારે વિપુલ અગ્રવાલે પોતાનો સરકારી ફોન બંધ કરી દીધો હતો, જયારે તેમના તાબામાં કામ કરતા પીએસઆઈ આશીષ પંડયાને તેમણે જ રજા આપી હતી, પણ જયારે આ કેસની તપાસ શરૂ થઈ ત્‍યારે તેમણે તુમાર નિકાલના નામે આશીષ પંડયા રજા ઉપર હતો તેના કાગળો બાળી નાખ્‍યા હતા. તેમની ડીસચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી હતી, જેના કારણે તેમણે મુંબઈ કોર્ટમાં મુંબઈ કોર્ટના આદેશને પડકાર્યો છે, હવે તેઓ પણ મુંબઈ કોર્ટના ધક્કા ખાય છે.

(12:59 pm IST)