Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

શરમજનક ઘટનાઃ તળાવમાં કેમ ન્‍હાયા? ત્રણ સગીર દલિતોને નગ્ન કરી ફેરવ્‍યાઃ વિડીયો વાયરલ

ગરમીથી રાહત મેળવવા બાળકો તળાવમાં નહાવા માટે કુદયા હતાં :મહારાષ્‍ટ્રનો બનાવઃ પીડિતોની ઉંમર ૧૨ થી ૧૪ વર્ષ વચ્‍ચે

મુંબઇ તા.૧૫: મહારાષ્‍ટ્રના જલગાંવ જિલ્લામાં દલિતસમાજ સાથે સંકળાયેલા ૩ સગીર કિશોરોને નગ્ન કરીને ફેરવવાનો કિસ્‍સો જાહેર થયો છે. કહેવાય છે કે વકાડી ગામના તળાવમાં તરવાની બાબતે આ કિશોરોને માર્યા પછી તેને નિર્વષા અવસ્‍થામાં પરેડ પણ કરાવાઇ હતી. આ કિસ્‍સો ૧૦ જુન રવિવારે બન્‍યો હતો પણ તેનો વિડીયો વાયરલ થયા પછી મામલો જાહેર થયો હતો.

મહારાષ્‍ટ્ર ના સામાજિક ન્‍યાય પ્રધાન કાંબલે અનુસાર આ કિસ્‍સામાં બે લોકોને પકડી લેવામાં આવ્‍યા છે અને તપાસ ચાલુ છે. કેન્‍દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ પણ આ બનાવની ટીકા કરી છે. તેમણે છોકરાઓ પણ જુલ્‍મ કરનારાઓ સામે સખ્‍ત પગલા લેવાની માંગ કરી છે. પીડીતોના પરિવારે આ મામલે પોલીસ ફરીયાદ કરી છે. વિરોધપક્ષ કોંગ્રેસ અને સત્તાધારી ભાજપાના ઘણા નેતાઓએ આની ટીકા કરી છે. ગુનેગારો સામે એસસી/એસટી કાયદા હેઠળ કેસ કરવાની માંગણી કરી મહારાષ્‍ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે સખ્‍ત પગલા લેવાનું આશ્વાસન આપ્‍યું છે.

ખબર મુજબ ગયા રવિવારે ગર્મીથી રાહત મેળવવા૧૨ થી ૧૪ વર્ષના ત્રણે છોકરાઓ તળાવમાં ન્‍હાવા માટે પડયા હતા. જયારે સ્‍થાનિક લોકોને આ વાતની ખબર પડી તો તળાવના કિનારે મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઇ ગયા. તેમણે દલિત છોકરાઓને તળાવમાંથી બહાર નીકળવાનું કહયું, તળાવની બહાર ભેગા થયેલા લોકોમાં કેટલાક ઉચ્‍ચ વર્ણના પણ હતા. ભીડમાં શામેલ કેટલાક લોકોએ છોકરાઓને ગાળો આપી ત્‍યાર પછી કેટલાક લોકોએ છોકરાઓને કપડા જબરદસ્‍તી ઉતરાવ્‍યા અને આખા ગામમાં નિર્વષા અવસ્‍થામાં ફેરવ્‍યાં, જે વિડીયો વાયરલ થયો છે. તેમાં છોકરાઓએ ચંપલ અને ઝાડના પાન પહેર્યા હોય તેવું દેખાય છે. એક વ્‍યકિતએ છોકરાઓને પગ પર અને પાછળના ભાગે લાકડીઓથી માર્યા જેનો તેમણે વિરોધ કર્યો હતો.

(12:16 pm IST)