Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ગરીબોને મફત સારવાર યોજનામાં ૨૦ રાજ્યો જોડાયા

ગરીબોને ૫ લાખ સુધીની વિનામુલ્યે સારવાર

નવી દિલ્હી તા.૧૫ :દુનિયાની સૌથી મોટી સ્વાથ્ય સંરક્ષ્ણ યોજનાના અમલીકરણની દિશામાં આગળ વધવામાં પહેલા વિઘ્નને પસાર કરવામાં સરકાર સફળ થઇ છે. અડધા થી વધારે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશો આયુષમાન ભારત યોજના હેઠળ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીીની મફત સારવાર યોજના અમલમાં મુકવા તૈયાર થઇ ગયા  છે. ગુરૂવારે ૨૦ રાજ્યઓને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કેન્દ્ર સાથે સમજૂતિ પર સહીઓ કરી

હાલમાં અમુક રાજ્યો આ યોજના સાથે જોડાવામાં ખચકાઇ રહ્યા છે પણ આરોગ્ય મંત્રાલયને આશા છે કે તેઓ પણ થોડા સમયમાં હસ્તાક્ષર કરી દેશે. જો બધુ બરાબર ચાલશે તો આ યોજના ૧૫ ઓગષ્ટ થી લાગુ કરવામાં આવશે. હાલમાં સમજુતી ઉપર સહીઓ કરનાર રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર , આસામ, હરિયાણા અને છત્તીસગઢ જેવા એનડીએ શાસિત રાજ્યો છે. એનડીએ સિવાયના રાજ્યો હજી તો આનાથી દુર રહ્યા છે. કોંગ્રેસ શાસિત મિઝોરમ અને પોંડેચેરી આ યોજના સાથે ઔપચારિક રીતે જોડાયા છે. આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે પશ્ચીમ બંગાળ, આંધ્રપ્રદેશ તેલંગાણા, કેરળ, તામીલનાડુ જેવા રાજ્યો આ યોજના અમલમાં મુકવા તૈયાર છે અને ટુંક સમયમાં તેમના હસ્તાક્ષરો પણ થઇ જશે.

ઉચ્ચ અધિકારોનું માનવુ છે  એનડીએ સિવાયના પક્ષોના શાસનવાળા રાજ્યોને પોતપોતાની આરોગ્ય વિમા યોજનામાં ખોવાઇ જવાનો ભય છે. લગભગ બધા રાજ્યો કોઇને કઇ રૂપમાં પોતપોતાની સ્વાસ્થ્ય વિમા યોજના ચલાવી રહ્યા છે. આ રાજ્યોનુ કહેવુ છે કે પોતાને ત્યા આ યોજનાને સ્થાનિક નામ આપવાની  પરવાનગી મળવી જોઇએ.જેના માટે કેન્દ્ર સરકાર તૈયાર નથી.

૪૦ કરોડ ગરીબ લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મફત અને કેશલેસ સારવારની આ યોજના ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ગેમ ચેંજર  સાબીત થાય તેમ છે.  એનડીએ સિવાયની શાસનવાળા રાજ્યોને આજ મુશ્કેલી છે અને એટલે તેઓ અને સ્થાનીક સ્વરૂપે લાગુ કરવા માટે જોર દઇ રહ્યા છે. ગરીબો સાથે સંકળાયેલી આ યોજનાનો સીધો વિરોધ કરવાને બદલે તેની ખામીઓ ગણાવી રહ્યા છે.

કેન્દ્રએ આ યોજનાને અમલમાં મુકવા જરૂરી આઇ ટી પ્લેટફોર્મ  નક્કી કરી લીધુ છે. તેલંગાણામાં ચાલતી રાજ્ય આરોગ્ય વિમા યોજના આરોગ્ય શ્રીનું પ્લેટફોર્મ પસંદ કરાયુ છે. આરોગ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ છે કે આરોગ્ય વિમા યોજના માટે આવતા  બધા આઇ ટી પ્લેટફોર્મનો  અભ્યાસ કર્યા પછી ''આરોગ્યશ્રી''ને પસંદ કરવામાં આવ્યુ છે. આ પ્લેટફોર્મ વાય.એસ.આર.રેડ્ડીની સરકાર સમયે તૈયાર કરાયુ હતુ. રાષ્ટ્રિય સ્તર પર લાગુ કરવા માટે  તેમા જરૂરી ફેરફારો થઇ રહ્યા છે. તેમણે કહ્યુ કે આ મહિનાના અંત સુધીમા આ પ્લેટફોર્મ નું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

(11:59 am IST)