Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પામતેલની આયાત મેમાં ૪૦ ટકા ઘટી, સોયાતેલની આયાત ૫૦ ટકા વધી

એપ્રિલ મહિનાની તુલનાએ મે મહિનાની આયાતમાં ૮.૯૬ ટકાનો ઘટાડોઃ મેમાં પામ સિવાયના તેલની આયાતનો હિસ્સો ૬૦ ટકાઃ સનફલાવરની વિક્રમી મન્થ્લી આયાત

નવી દિલ્હી તા.૧૫:કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાય-ડયુટીમાં અગાઉ વધારો કરવાને પગલે મે મહિનામાં ખાદ્ય તેલની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે સરકારે માત્ર પામતેલની જ ડયુટી વધારી હોવાથી મે મહિનામાં અને આયાત ૪૦ ટકા ઘટી છે, પરંતુ સોયાતેલની આયાતમાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે ગુરૂવારે આયાત-ડયુટી ફરી વધારી હોવાથી આગામી દિવસોમાં એની અસર જોવા મળી શકે છે.

સોલ્વન્ટ એકસટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA-સી) ના આંકડાઓ પ્રમાણે મે મહિનામાં તમામ ખાદ્ય તેલની કુલ ૧૨.૪૬ લાખ ટનની આયાત થઇ છે, જે એપ્રિલ મહિનામાં ૧૩.૬૮ લાખ ટનની થઇ હતી. આમ આયાતમાં ૮.૯૩ ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં ક્રુડ પામતેલની આયાતમાં ૪૦.૪૫ ટકાનો ઘટાડો થઇને કુલ ૩.૩૧ લાખ ટનની આયાત થઇ છે, જયારે રીફાઇન્ડ પામતેલની આયતામાં ૨૪.૭૬ ટકાનો ઘટાડો થઇને ૧.૫૭ લાખ ટનની આયાત થઇ છે.

કેન્દ્ર સરકો માર્ચ મહિનામાં સોયાતેલની ડયુટી જાળવી રાખી હોવાથી એની આયાત એપ્રિલની તુલનાએ મેમાં ૫૦ ટકા વધીને ૩.૯૬ લાખ ટન આયાત થઇ છે. સીના એકિઝકયુટીવ ડિરેકટર ડો. બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે ચાલુ સીઝન વર્ષમાં નવેમ્બરથી મે મહિનાની સળંગ એટલે કે કુલ સાત મહિનાની ખાદ્ય તેલની આયાત ચાલુ વર્ષે ૮૩.૯૩ લાખ ટન થઇ છે, જે અગાઉના વર્ષે ૮૩.૨૨ લાખ  ટન થઇ હતી. આમ આયાતમાં મામુલી ઘટાડો થયો છે.

પામતેલ કરતાં સોફટ તેલની આયાત પહેલી વાર વધીઃ સનફલાવરની વિક્રમી આયાત

ભારતના ઇતિહાસમાં સોૈપ્રથમ વાર પામતેલની તુલનાએ બીજા સોફટ તેલની આયાતામાં વધારો થયો છે. મે મહિનામાં ખાદ્ય તેલની કુલ આયાતમાં  પામતેલનો હિસ્સો ૪૦ ટકા અને બાકીના તેલનો હિસ્સો ૬૦ ટકા રહયો છે. બીજી તરફ સનફલાવરતેલની મે મહિનામાં ૩ લાખ ટન આયાત થઇ છે, જે પણ અત્યાર સુધીની સોૈથી વધુ માસિક આયાત છે. દેશમાં પહેલી જુને વિવિધ પોર્ટ પર ખાદ્ય તેેલનો કુલ ૧૦.૦૨ લાખ ટનનો સ્ટોક પડયો છે, જેમાં ક્રુડ પામતેલનો ૩.૨૦ લાખ ટન, રીફાઇન્ડ પામોલીનનો ૧.૭૦ લાખ ટન, સોયડીગમનો ૨.૩૦ લાખ ટન, ક્રુડ સનફલાવરનો ૨.૭૦ લાખ ટન અને રાયડાનો ૧૨ હજાર ટનનો સ્ટોક છે. આ ઉપરાંત ૧૬.૬૦ લાખ ટનનો સ્ટોક પાઇપલાઇનમાં છે. આમ કુલ સ્ટોક ૨૬.૬૨ લાખ ટનનો છે, જે અગાઉના મહિને ૨૩.૩૮ લાખ ટનનો હતો. આમ સ્ટોકમાં ૩.૨૪ લાખ ટનનો વધારો થયો છે.

(9:58 am IST)