Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નાની બચત યોજનાઓમાં રોકાણ ઘટી રહ્યું છેઃ મ્‍યુ. ફંડમાં વધી રહ્યુ છે

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ૮ માસમાં નાની બચત યોજનાઓમાં રોકાણ રૂા. ૪૦,૪૨૯ કરોડ થયું જે અગાઉના વર્ષમાં આ ગાળામાં રૂા. ૨,૭૫,૬૮૨ કરોડ થયુ હતું: વ્‍યાજ દરમાં ઘટાડો જવાબદાર : પીપીએફ પણ ચમક ગુમાવી રહ્યુ છેઃ ઈકવીટી માર્કેટ રીટર્ન સારૂ રહેતા અને મ્‍યુ. ફંડ અનેક રીટેલ ઈન્‍વેસ્‍ટરોને આકર્ષી રહેલ છેઃ ડાકઘર યોજનાઓમાં ટીડીએસ આવતા રોકાણકારો દૂર થવા લાગ્‍યા

નવી દિલ્‍હી, તા. ૧૫ : ભારતીય રીઝર્વ બેન્‍કના આંકડાઓ અનુસાર નાની બચત યોજનાઓની લોકપ્રિયતા ઘટી રહી છે. જે રીતે ટ્રેન્‍ડ દેખાય રહ્યો છે તે ચિંતાજનક છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ૮ આઠ મહિનાઓ દરમ્‍યાન નાની બચત યોજનાઓ માટે રૂા. ૪૦૪૨૯ કરોડની રસીદ ફાટી હતી અર્થાત જમા થયા હતા. જ્‍યારે ૨૦૧૬-૧૭ના આ ગાળા દરમિયાન નાની બચત યોજનાઓ માટે રૂા. ૨,૭૫,૬૮૨ કરોડ રૂા.ની રકમ નોંધવામાં આવી હતી, એટલે કે સાત ગણી રકમ ઘટી જવા પામી છે. પબ્‍લિક પ્રોવીડન્‍ટ ફંડના મામલામાં એપ્રિલ અને નવેમ્‍બર ૨૦૧૭ દરમિયાન ૮ મહિનાના ગાળા દરમિયાન રસીદોની રકમ ૧૭૭૫ કરોડ રૂા. હતી એટલે કે આટલી આવક થઈ હતી. રીપોર્ટ અનુસાર રૂા. ૫૭૫૨ કરોડનો ઘટાડો નોંધાયો છે. આ રકમ ગયા વર્ષે આ ગાળામાં પીપીએફમાં આવી હતી.

રીપોર્ટ અનુસાર નાની બચત યોજનાઓ માટેની રકમમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ મ્‍યુ.ફંડમાં વધુ રોકાણ પ્રાપ્ત થયુ છે. આ ગાળામાં કેન્‍દ્ર સરકારે ૧ લી એપ્રિલ ૨૦૧૬થી ત્રિમાસિક આધાર પર નાની બચત યોજનાઓના વ્‍યાજ દરોમાં ફેરફાર કર્યા છે કારણ કે સરકાર અહીં સરકારી સિકયુરીટીઝના વ્‍યાજદરોની જેમ આ નાની બચત યોજનાઓના વ્‍યાજદરોને સમાન કરવા માગતી હતી. ડાક વિભાગના એક અધિકારીના જણાવ્‍યા પ્રમાણે વ્‍યાજ દર એક એવુ માપદંડ છે જે રોકાણકારોને દૂર રાખે છે.

માર્ચ ૨૦૧૬મા એકથી પાંચ વર્ષની ટર્મ ડીપોઝીટ પર વ્‍યાજ દર ૮.૪ ટકા હતો. હાલ  આ દર એક વર્ષની ડીપોઝીટ માટે ૬.૬ ટકા અને પાંચ વર્ષ માટે ૭.૪ ટકા છે. રાષ્‍ટ્રીય બચત પત્રો માટે આ ગાળામાં વ્‍યાજનો દર ૮.૫ ટકાથી ઘટીને ૭.૬ ટકા થઈ ગયો છે. જ્‍યારે કિસાન વિકાસ પત્ર માટે ૮.૭ ટકાથી ઘટીને ૭.૩ ટકા થઈ ગયો છે. પીપીએફ પર વ્‍યાજ દર માર્ચ ૨૦૧૬માં ૮.૭ ટકાથી ઘટીને અત્‍યારે ૭.૬ ટકા થઈ ગયો છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈકવીટી માર્કેટ રીટર્ન વધ્‍યુ છે અને મ્‍યુ. ફંડ અનેક રીટેલ ઈન્‍વેસ્‍ટરોને આકર્ષિક કરી રહ્યુ છે. આ સિવાય કેટલીક યોજના સ્‍તરના મુદ્દા છે જેમને સુકન્‍યા સમૃદ્ધિ યોજનાના મામલામાં સંબોધીત કરવાની જરૂર છે કે જ્‍યાં લોકઈન ગાળો વધુ છે અને વ્‍યાજ દર ઘટી ગયા છે. મ્‍યુ. ફંડ મોટા ડ્રો બની ગયા છે. દિલ્‍હી સ્‍થિત નાણાકીય સલાહકાર કહે છે કે ડાકઘર યોજનાઓ પરની આવકમા ટીડીએસ નહોતુ હવે ટીડીએસની જોગવાઈથી લોકોનો મોહ ભંગ થયો છે.

 

(4:15 pm IST)