Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોદીના નિવાસસ્‍થાન પર અજાણ્‍યું યુએફઓ ઊડતું દેખાયું

સુરક્ષા અધિકારીઓની ઊંઘ ઉડી, આઠ દિવસ પછી પણ એ શું હતું એની હજી ખબર નથી

નવી દિલ્‍હી, તા. ૧૫ :. નવી દિલ્‍હીના લોક કલ્‍યાણ માર્ગસ્‍થિત વડાપ્રધાનના નિવાસસ્‍થાન પાસે ૭ જૂને એક યુએફઓ દેખાતા સુરક્ષા અધિકારીઓ ચિંતામાં પડી ગયા છે. જો કે પોલીસ હજી સુધીએ જાણી શકી નથી કે આકાશમાં ઉડતી એ અજ્ઞાત વસ્‍તુ કઈ હતી.

વડાપ્રધાનના નિવાસસ્‍થાનના બે કિ.મી.નો વિસ્‍તારનો ફલાઈંગ ઝોન હોય છે. વડાપ્રધાનના નિવાસસ્‍થાન પર તહેનાત એસપીજીના ઓફિસરે ઉડતી ચીજ જોતા જ પોલીસને એની જાણ કરી હતી.

સાંજે સાડા સાત વાગ્‍યે બનેલી આ ઘટના પછી તરત જ એનએસજી અને દિલ્‍હી એર ટ્રાફીક કંટ્રોલ (એટીસી)ને સુચિત કરવામાં આવ્‍યા હતા. વડાપ્રધાનના સુરક્ષા દળે સીઆઈએસએફ અને દિલ્‍હી એરપોર્ટ ઓથોરિટીને પણ જાણ કરી હતી.

જો કે કલાકો સુધી તપાસ કર્યા બાદ પણ યુએફઓ દેખાયાની વાતની પુષ્‍ટિ થઈ શકી નહોતી. દિલ્‍હીના નાયબ કમિશનરે જણાવ્‍યું કે, ‘અમે હજી સુધી એફઆઈઆર નોંધ્‍યો નથી. આ યુએફઓ કોઈ ડ્રોન પણ હોય શકે છે, જે સામાન્‍ય બાબત છે. જો કે સુરક્ષાના કારણોસર અમે વધુ માહિતી જાહેર કરી શકીએ એમ નથી.'

આ અગાઉ ૨૦૧૭ની ૧૧ સપ્‍ટેમ્‍બરે પણ વડા પ્રધાનના નિવાસસ્‍થાન પર એક ડ્રોન ઉડતુ દેખાયાની વાત સામે આવી હતી. જો કે ત્‍યારે પણ એટીસીના રડારમાં કાંઈ આવ્‍યુ નહોતું. ત્‍યાર બાદ નવેમ્‍બરમાં નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ડ્રોનના ઉપયોગ માટે માર્ગદર્શિકા ઈશ્‍યુ કરવાનો પ્રસ્‍તાવ પણ મંજુર કરવામાં આવ્‍યો હતો, પણ આ મંત્રાલય ડ્રોનના ઉપયોગ માટેની અંતિમ માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યુ છે.

(9:55 am IST)